જન્મ તારીખમાં વિદ્યાર્થીનાં નામ અને અટકમાં હવે ડીઈઓ સુધારા કરી શકશે
માધ્યમિક શિક્ષણ બોર્ડના નિર્ણયથી રાહતઃ હવે કોર્ટમાં જવાની જરૂર નહીં પડે
અમદાવાદ, ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. એ મુજબ હવેથી ધો.૧ર સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જાગવાઈ મુજબ ધો.૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હતો.
આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય ડોકટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ વિધવા થતી હોય છે અને આવી મહિલાઓ ફરીથી લગ્ન પણ કરતી હોય છે. આવા કિસ્સાઓ ફરીથી લગ્ન કરેલી મહિલાના બાળકો કે જે ધો.૧૧ અથવા તો ધો.૧ર માં અભ્યાસ કરે છે તેઓ પોતાની અટક નામ કે જન્મ તારીખમાં સુધારો કરી શકતા નહોતા. આવી સ્થિતિને કારણે આવા બાળકોને ભારે અન્યાય થતો હતો અને સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
વિદ્યાર્થીઓના નામ અટકમાં ફેરફાર અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધો.૧ર સુધી વિદ્યાર્થીઓના નામ, અટક અને જન્મ તારીખમાં લિવિંગ સર્ટિફીકેટમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર વિનિમય ૧ર (ક) (૬)ની જાગવાઈ ધ્યાને લેતાં વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯ થી ૧ર પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડયાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે. અગાઉ આ કામગીરી માટે પૂરતા પુરાવા સાથે કોર્ટમાં જવું પડતું હતું કોર્ટના ઓર્ડર બાદ ડીઈઓ તેમાં ફેરફાર કરી આપતા હતા જેમાં ૩ થી ૬ મહિનાનો સમયગાળો લાગતો હતો. (એન.આર.)