જમણવારમાં બસોની ડીસ રાખતા હોઇએ છીએ તો એક રૂપીયાનું માસ્ક પણ વહેચીએ
સબ કો માલૂમ હૈ કી બહાર કી હવા હૈ કાતિલ, યૂહી કાતિલ સે ઉલઝને કી જરૂરત કયા હૈ
જેમને ખાંસી-તાવ જેવા લક્ષણ છે કે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે તેઓ તો ખાસ લગ્નપ્રસંગોમાં હાજરી ન આપે
લગ્ન જમણમાં દોઢસો-બસ્સોની ડિશ રાખી શકતા હોઇ તો રૂ. એકનો માસ્ક પણ સાજનમાજનને કેમ ના આપી શકાય ?
• સમારંભમાં ઉંચો તામઝામ રાખીએ છીએ તો પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર સાથે બે માણસો પણ રાખીએ
• પ્રસંગમાં પોલીસને પણ ઉપસ્થિત રહેવું પડે તેવું કામ જ શું કામ કરીએ ?
• પ્રસંગમાં મહેમાનો ગીફ્ટ લઇને આવતા હોય છે ત્યારે રીર્ટન ગીફ્ટમાં કોરોના ન મળે તે માટે કોરોનાની તમામ સાવચેતીઓનું ચુસ્ત પાલન કરીએ
સબ કો માલૂમ હૈ કી બહાર કી હવા હૈ કાતિલ, યૂહી કાતિલ સે ઉલઝને કી જરૂરત કયા હૈ. લગ્ન એ આપણા માટે સૌથી વધુ હરખનો અવસર છે પણ અત્યારના સંજોગોમાં તે શોકમાં ન પલટાઇ જાય તે જોવું પણ આપણો અતિથિ તેમજ નાગરિક ધર્મ છે.
કોરોના વિકરાળ રીતે આબાલવૃદ્ધ સૌને સંક્રમિત કરી રહ્યો છે ત્યારે લગ્નપ્રસંગ ખૂશીનો જ અવસર બને, કોરોના ફેલાવવા માટેનો નહી તેનું ધ્યાન યજમાન અને મહેમાન બંનેએ રાખવાનું છે. લગ્નમાં સરકાર દ્વારા સો વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે માટે આગોતરૂં આયોજન કરીને આ નિયમો ન તૂટે તેની ખાસ દરકાર રાખવાની છે.
કોરોના એ વણનોતર્યા અતિથિ જેવો છે, તે લગ્નપ્રસંગમાં હાજર ન થઇ જાય એ માટે યજમાન અને મહેમાન બંનેએ ખૂબ સાવચેતી રાખવાની છે.
કોરોના સંક્રમણ લાગવાની સૌથી વધુ શક્યતાઓ મેળાવડાઓમાં છે. સરકારે પણ દરેક પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકયો છે. પરંતુ લગ્નના મેળાવડામાં સો વ્યક્તિ સુધીની છૂટ આપી છે. પણ અત્યારે જયારે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે અને ઘણી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ત્યારે આપણે નાગરિક ધર્મ નિષ્ઠાપૂર્વક બજાવવાનો છે. બને ત્યાં સુધી લગ્નપ્રસંગમાં જવાનું ટાળવું જ જોઇએ. પરંતુ અનિવાર્ય હોય અને જયા વિના ચાલે તેવું ન હોય એટલો નજીકનો સંબધ હોય તો ઓછામાં ઓછા વ્યક્તિઓએ પ્રસંગમાં જવું જોઇએ. આપણે પ્રસંગ માટે હજારો રૂપીયાના મોંઘા કપડા સીવડાવતા હોઇએ છીએ ત્યારે એક રૂપીયાનું માસ્ક પહેરીને જવાની ચીવટ રાખીએ.
ઓછામાં ઓછો સમય પ્રસંગમાં હાજરી આપીએ એ પણ સામાજિક અંતરના નિયમ સાથે. ખીસ્સામાં સેનિટાઇઝરની બોટલ રાખીએ અને હાથ સેનિટાઇઝ કરતા રહીએ જેથી બહારનું સંક્રમણ ઘરે ન આવે. કારણ વગર કોરોના સાથે ઉલઝવાની જરૂર શું છે ?
જેમના ઘરે લગ્નનો અવસર હોય તેમણે તો આ સમયમાં બમણી કાળજી રાખવાની છે. સરકાર દ્વારા બહાર પાડેલા એકેએક નિયમનું ચોકસાઇથી પાલન કરવાનું છે. જમણવારમાં આપણે બસોની ડીસ રાખતા હોઇએ છીએ તો એક રૂપીયાનું માસ્ક વહેચવામાં શું વાંધો હોઇ શકે ?
સમારંભમાં મોટા ખર્ચા સાથે ઉંચો તામઝામ રાખીએ છીએ તો પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર સાથે બે માણસો રાખવામાં શું વાંધો હોઇ શકે ? માસ્ક, સામાજિક અંતર જેવા નિયમોનું પાલન પોતે તો કરવાનું જ છે. સાથે જે લોકો આ નિયમોનું પાલન ન કરતા હોય તેમને પણ આ નિયમોનું પાલન કરવા સમજાવવાનું છે.
ઘરના મોટા સૌ નિયમોનું પાલન કરતા હશે તો નાના તો આપોઆપ જ કરશે. લગ્નમાં મહેમાનો કંઇને કંઇ ગીફ્ટ (ભેટ) લઇને આવતા હોય છે ત્યારે તેમને રીર્ટન ગીફ્ટ તરીકે કોરોના ન મળે તે યજમાન તરીકે આપણે ધ્યાન રાખવાનું છે. અકસર એવું જોવા મળે છે કે લગ્ન પ્રસંગમાંથી પાછા આવ્યા પછી ઘણા લોકો કોરોના સંક્રમિત થઇ જાય છે. ત્યારે આપણી સાવધાની જ આપણો બચાવ છે. સો માણસની મર્યાદાનું સૌએ સમજીને પાલન કરવાનું છે. પ્રસંગમાં પોલીસને પણ ઉપસ્થિત રહેવું પડે તેવું કામ જ શું કામ કરીએ ?
બીજી ખાસ મહત્વની વાત એ છે કે, જે લોકોને શરદી-ખાંસી-તાવ છે તેઓ તો ખાસ આવા પ્રસંગોમાં ન જાય અને સત્વરે કોરોનાનો ટેસ્ટ કરાવી લે. જેમણે ટેસ્ટ કરાવ્યો છે અને રિપોર્ટ આવ્યો નથી તેઓ પણ પ્રસંગમાં જઇને લોકોને મૂશ્કેલીમાં ન મૂકે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ બધી નાની નાની વાત છે, પણ નાની વાતોનો અમલ કરીને જ કોરોનાથી દૂર રહી શકાય છે.