જમણવાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું નહીં
સુરત, હાલ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જરૂરી છે. સરકાર પણ દરરોજ તમામ લોકોને આ બંને નિયમોનું પાલન કરવાની અપીલ કરે છે. હાલ ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત થઈ છે. પેટા-ચૂંટણીમાં ચૂંટણી સભા અને પ્રચાર માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ રાજકીય પાર્ટીઓ તરફથી પણ સતત એવી વાતો કરવામાં આવી રહી છે કે તેમના ઉમેદવારો અને કાર્યકરો તરફથી નિયમોનું પાલન કરવામાં આવે છે, પરંતુ સુરતમાં રવિવારે યોજાયેલા ભાજપના વિજય-વિશ્વાસ સંમેલનમાં જમણવાર દરમિયાન નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જમણવાર દરમિયાન લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના કોઈ નિયોમોનું પાલન થતું જોવા મળ્યું ન હતું. એક તરફ સરકારે ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ત્યારે રાજકીય પક્ષો તરફથી નિયોમોને નેવે મૂકીને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા છેડાઈ છે કે નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ છે. ઉલ્લેખનીય છે કે સુરતના પુણા, કતારગામ વિસ્તારમાં અમરેલી-ધારી વિસ્તારના અનેક લોકો રહે છે. આથી ધારીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી. કાકડિયા માટે રવિવારે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે.વી.કાકડિયાએ પોતાના વિસ્તારના લોકોને તેમને મત આપવા માટે અપીલ કરી હતી.
જોકે, કાર્યક્રમ બાદ યોજાયેલા જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. જમણવાર માટે લાંબી લાઇનો લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સુરત શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલા પણ હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન એક એવો પણ બનાવ બન્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમમાં જે.વી. કાકડિયા જ્યારે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે કોઈએ ઇંડા ફેંક્યા હતા.
જે બાદમાં સી.આર. પાટીલ સહિતના નેતાઓ કાર્યક્રમમાં નીકળી ગયા હતા. ઇંડા ફેંકવાની ઘટના અંગે જે.વી.કાકડિયાએ જણાવ્યું હતું કે, મને સમર્થન મળી રહ્યું હોવાથી આ કાૅંગ્રેસની ચાલ છે. ઉલ્લેખનીય છે કે જે.વી. કાકડિયા કાૅંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.SSS