જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્લાઝમા ડોનેશનની જાહેરાત કરી
અમદાવાદ ની ખાડિયા જમાલપુર વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ખેડાવાળા સાજા થતા કોંગ્રેસની છાવણીમાં થોડી રાહત જોવાઈ છે.કોરોના ના અન્ય દર્દીઓને મદદરૂપ થવા ખેડાવાળા એ પ્લાઝમા ડોનેશન નો નિર્ણય જાહેર કર્યો છે.
અમદાવાદ કોંગ્રેસના અગ્રણી અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોનાનું સંક્રમણ થયું હતું. બેએક દિવસના તાવ જેવા લક્ષણો બાદ ખેડાવાળા એ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યા બાદ ગઈ તા. 14મી એપ્રિલના રોજ તેમને હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. હવે હાલમાં તેમના બે વખતના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રજા લેતા સમયે તેમણે મેડિકલ ટીમ નો આભાર માન્યો હતો તેમજ એસ.વી.પી.માં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે તેમ પણ જણાવ્યું હતું. અગાઉ , ખેડાવાળા એ તેમના મતદારોને જાગૃત કરવા માટે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિ. કમિ. વિજય નહેરા સહિતના અધિકારીઓ તેમજ નેતાઓએ ઈમરાન ખેડાવાલાના કુશળ મંગળ માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ઈમરાન ખેડાવાલાએ હવે પછી કોરોનાના દર્દીઓના હિત માટે પોતાના પ્લાઝમા ડોનેશન કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.