જમાલપુરમાં લુખ્ખા તત્વોનો ત્રાસઃ રીક્ષા ચાલક પર છરી વડે હુમલો
અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં લુખ્ખાગીરીની ઘટનાઓ ઓછી થતી નથી. કેટલાંક સમય અગાઉ શહેરમાં પ્રખ્યાત એવી ફુલબજારમાં હપ્તા ઊઘરાવતાં ગુંડાઓનો ત્રાસ હતો. જેમાંથી કેટલાંકને પોલીસે ઝડપી લીધા હતા અને કડક કાર્યવાહી કરી હતી. જાકે જમાલપુરનાં બીજા વિસ્તારોમાં હજુ પણ ગુંડાઓનું વર્ચસ્વ યથાવત હોય તેમ અવારનવાર બનતી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. જમાલપુરનાં મુંડા દરવાજા નજીક ચા પીવા ગયેલાં એક રહીશને બેફામ ગાળો બોલીને છરીનાં ઊપરાછાપરી ઘા મારી દીધા હતા. ઊપરાંત તેને સમાધાન માટે બોલાવીને ફરી ગડદાપાટુનો માર મારતાં ચકચાર ફેલાઈ છે.
ભાડાની રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતાં અહેમદખાન અમજદખાન પઠાણ મુંડા દરવાજા સીંધીવાડ, જમાલપુર ખાતે રહે છે. આખા દિવસની મજુરીથી થાકેલાં અહેમદભાઈ ઘરે પહોંચ્યા બાદ સાંજે ચાર વાગ્યાના સુમારે મુંડા દરવાજા ખાતે બાપુની કીટલી પર ચા પીવા ગયા હતા. જ્યાં સંધીવાડ હજીરા, મુન્ના પઠાણની ચાલી ખાતે રહેતો માથાભારે શખ્સ વસીમખાન બાદરખાન પઠાણ પણ હાજર હતો. જેણે કોઈ પણ કારણ વગર ગાળો બોલતાં અહેમદભાઈએ પ્રતિકાર કર્યાે હતો. જેથી અચાનક જ ઊશ્કેરાઈ ગયેલા વસીમખાને પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી તેમની છાતીમાં માર્યુ હતું.
જેથી ગભરાઈને ભાગવા જતાં અહેમદભાઈને વસીમખાને પીઠનાં ભાગે પણ ઘા મારતાં તે લોહીલુહાણ થઈ ગયા હતાં. બાદમાં વસીમખાને હજીરામાં આવેલી મુન્ના પઠાણની ઓફીસે તેમને સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં જતાં ઓફીસની બહાર જ વસીમખાનનાં બે ભાઈઓ આદીલખાન તથા મોહસીનખાન ઊભા હતાં.
બંનેએ પણ ભેગાં થઈને અહેમદભાઈને ગદડાપાટુંનો માર મારતાં ગભરાઈ ગયેલાં અહેમદભાઈ જીવ બચાવીને ભાગ્યા હતા અને આગળ જઈ પોતાનાં કાકા તથા અન્ય પરીવારજનોને જાણ કરી હતી. બાદમાં હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વસીમખાન તથા તેનાં ભાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.