જમાલપુરમાં સેનાપતિ વગરની સેના
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુર વોર્ડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ર૦૧પની ચૂંટણીમાં જમાલપુરમાંથી કોંગ્રેસના ત્રણ અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. અપક્ષ કોર્પોરેટર ઈમરાન ખેડાવાળા કોંગ્રેસમાં જાેડાયા બાદ વોર્ડમાં કોંગ્રેસની પેનલ બની હતી. ર૦૧૭માં ઈમરાન ખેડાવાળા ખાડીયા- જમાલપુર વોર્ડના ધારાસભ્ય તરીકે બહુમતિથી વિજેતા બન્યા હતા તેથી ર૦ર૧ની મ્યુનિ. ચૂંટણીમાં પેનલ જાળવી રાખવાની જવાબદારી પણ તેમના શિરે રહે છે પરંતુ બહેરામપુરા વોર્ડમાં ટીકીટ માટે કમઠાણ થતા ઈમરાન ખેડાવાળાએ પાર્ટી પ્રદેશ પ્રમુખને રાજીનામુ આપતા જમાલપુરમાં હાલ સેનાપતિ વગરની સેના જેવો માહોલ થયો છે જેના શીરે પેનલ જીતાડવાની જવાબદારી છે તેઓજ પાર્ટીથી રિસાયા હોવાથી વિપરીત અસર થાય તેવી શક્યતા છે જાેકે ઈમરાન ખેડાવાળાના રીસામણા એકાદ બે દિવસમાં જ મનામણામાં પરિવર્તિત થઈ શકે છે જમાલપુરમાંથી પસંદ થયેલ જુનેદ શેખ પાયાના કાર્યકર છે અને વર્ષોથી જમાલપુર અને દરિયાપુર વિધાનસભામાં પ્રજાકિય કામ કરી રહયા છે.
સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખને ખાડીયામાંથી ટિકિટ આપવાની જાહેરાત બાદ એનએસયુઆઈએ ઉગ્ર દેખાવો કર્યા હતા તથા રાજીનામા પણ આપ્યા હતા ભારે સમજાવટ બાદ શાહનવાઝ શેખ ખાડીયામાંથી ચૂંટણી લડવા તૈયાર થયા છે. જયારે અન્ય એક સીટીંગ મહીલા કોર્પોરેટર રજિયાબેનને પણ ખાડીયામાંથી ટિકિટ આપવામાં આવી છે. જમાલપુરની પેનલમાંથી એક માત્ર અઝરાબેન કાદરી જ રીપીટ થયા છે. જયારે ત્રણ નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમાં અનવર બિસોરા, જુનેદ શેખ અને મનીષા પરીખનો સમાવેશ થાય છે. તદ્પરાંત સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખને ખાડીયામાંથી ટિકિટ આપી હોવાથી જમાલપુરમાં પેનલ નબળી પડી છે.
પૂર્વ કોર્પોરેટર સ્વ. યુસુફભાઈ સૈયદના પુત્ર શહેબાઝ સૈયદને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેમણે દાવેદારી નોંધાવી હતી પરંતુ તેઓને ટિકીટ ન મળતાં નારાજગી વ્યકત કરી છે. તેવી જ રીતે ઔવેસીની પાર્ટીમાંથી કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટર રફીકભાઈ શેખ અને મુસ્તાક ખાદીવાળા ચૂંટણી લડી રહયા છે આ બંને પૂર્વ કોર્પોરેટરો પણ કોંગ્રેસને નુકશાન કરી શકે છે. જાેકે જમાલપુરમાં ભાજપની સ્થિતિ ખૂબજ નબળી છે તેથી ઔવેસી પાર્ટીના ઉમેદવારો પ થી ૭ હજાર વોટ લઈ જાય તો પણ કોંગ્રેસને કોઈ ફરક પડે તેમ નથી. ર૦૧રની વિધાનસભા ચુંટણીમાં સાબીર કાબલીવાલાએ અપક્ષ દાવેદારી કરતા ભાજપને લાભ થયો હતો પરંતુ મ્યુનિ. ચુંટણીમાં તેનુ પુનરાવર્તન થાય તેવી શક્યતા ઓછી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના શિરે જમાલપુરમાં પેનલ જાળવી રાખવાની તથા ખાડીયામાં ભાજપની પેનલ તોડવાની જવાબદારી છે તેમાં તેઓ સફળ રહેશે કે કેમ? તેનો જવાબ કોંગ્રેસ પ્રદેશ હોદ્દેદારો પર જ નિર્ભર છે.
આંકડાકીય માહિતી |
અપક્ષોનો દબદબો જમાલપુર વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનો દબદબો રહયો છે તથા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી વિજેતા બનેલા કોર્પોરેટરની પ્રગતિ પણ થઈ છે. જમાલપુરના ધારાસભ્ય ઉસ્માનગની દેવડીવાલા અપક્ષ ઉભા રહીને ચૂંટણી લડયા હતા તથા રાજય સરકારમાં મંત્રી પદ સુધી પહોચ્યા હતા. વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની કારકીર્દી પણ અપક્ષ ઉમેદવાર તરીકે થઈ હતી બાદમાં તેઓ કોંગ્રેસમાં જાેડાયા હતા. ર૦૧૦માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ લડયા હતા પરંતુ હારી ગયા હતા. ર૦૧પમાં તેઓ ફરી એક વખત અપક્ષ ચૂંટણી લડયા હતા તથા ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ ર૦૧૭માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસના જ એક અગ્રણી નેતા ખુરશીદ સૈયદ પણ ૧૯૯પમાં અપક્ષ ઉભા રહીને ચૂંટણી જીત્યા હતા તેવી જ રીતે ર૦૦૦ની ચૂંટણીમાં ઈમરાન ખેડાવાળા સાથે સ્વ. યુસુફ સૈયદ, રાબીયા આપા તેમજ ઈશાક છીપા પણ પણ અપક્ષ લડીને ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં જાેડાયા હતા. |
સમસ્યા જમાલપુર વોર્ડની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર બાંધકામની છે સાંકડી ગલી અને પ૦-૬૦ ચો.વારના પ્લોટમાં બહુમાળી બિલ્ડીંગો બની ગઈ છે. જેમાં ગટર-પાણીના જાેડાણો પણ અનઅધિકૃત હોય છે તેથી આ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશર, દુષિત પાણી અને ડ્રેનેજ બેક મારવાની સમસ્યા કાયમી બની ગઈ છે. ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યા પણ વકરી છે. સ્ટાર હોટેલથી ટી.પી રોડના અમલ માટે અનેક વખત રજુઆતો થઈ છે. પરંતુ અમલ થતો નથી. જમાલપુર વોર્ડ માટે બગીચા અને પાર્ટી પ્લોટ માટે ઘણા સમયથી માંગણી થઈ રહી છે પરંતુ તેનો નકકર અમલ થયો નથી. |