જમાલપુર એ.પી.એમ.સી. માર્કેટ શરૂ થઈ

અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉનના બે મહિનાના લાંબાગાળા પછી અનલોક-૧ નો પ્રારંભ થતા ધીમે-ધીમે જનવીવન થાળે પડી રહ્યું છે. બજારો-મોલ્સ ખુલી ગયા છે. એકંદરે ઘરાકી નથી પરંતુ ધીમે ધીમે બજારો ધમધમતા થતા સરકારી ગાઈડલાઈનનો કડક અમલ થઈ રહ્યો છે. શહેરના મહત્વના તમામ બજારો ખુલી ગયા છે. દુકાનોમાં લોકો-નાના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યાં છે. આવનાર તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરીને અંદર આવવા દેવામાં આવે છે. અમુક બજારોમાં તો ટોકન આપવામાં આવે છે. આમ બજારોમાં નીતિ-નિયમોનો કડકાઈપૂર્વક અમલ કરાવાઈ રહ્યો છે.
દરમિયાનમાં અમદાવાદના જમાલપુર ખાતેનું એ.પી.એમ.સી. માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાત્રીના ૧ર થી સવારના ૬ વાગ્યા સુધીનો સમય રાખવા વિચારણા થઈ છે. વળી પાર્કિંગમાં પ્રવેશતા વાહનોની સંખ્યા મર્યાદિત કરાશે અને તમામ કર્મચારીઓની નોંધણી કરાશે જેથી કરીને તમામ લોકોની એક યાદી તૈયાર કરાશે. જા કે મર્યાદિત સંખ્યામાં ટ્રકો સાથે વેપારીઓના પ્રવેશને લઈને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.