જમાલપુર- ખાડીયામાં ભૂમાફીયાઓ બેફામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Khadia.png)
પ્રતિકાત્મક
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તમામ વ્યાપાર-ધંધામાં મંદી આવી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં ભારે તેજી ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના ઉતર, પૂર્વ, દક્ષિણ અને મધ્યઝોનમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ ચાલી રહયા છે તેમાં પણ મધ્યઝોનના જમાલપુર અને ખાડીયા વોર્ડ અનઅધિકૃત બાંધકામના હાથા બની ગયા છે. આ બંને વોર્ડમાં છેલ્લા બે માસમાં જ પ૦ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામના કામ શરૂ થયા છે. જે પૈકી લગભગ ૯૦ ટકા બાંધકામો પુરા પણ થઈ ગયા છે. ખાડીયા અને જમાલપુરના વોર્ડ ઈન્સ્પેકટરોની મહેરબાની અને નવી મોડ્સ ઓપરેન્ડીના કારણે ભૂ- માફીયાઓ બેફામ બની ગયા છે જેનો ભોગ સ્થાનિક રહીશો બની રહયા છે.
જમાલપુર -ખાડીયામાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામની યાદી
(૧) ખાડિયા ગેટ ૨૯૦૧થી ૨૯૦૫ સુધીન નંબર ગેરકાયદેસર હાલ પ્લાન પાસ કરવા મુકેલછ
(૨) એકતોડાની મજીદ પાછળ બાબરના ડહેલા સામે દોલતખાના.
(૩) ૯૬૩ કંસારાપોળ માડવીની પોળ માણેકચોક
(૪) સુથારવાડાપોળ સામે રંગાટીબજાર
(૫)૨૨૨૨ મદનગોપાલની હવેલી રોડ બીન અધિકૃત આરસીસી ફ્લેટ તોડી પાડવાનો હુકમ.. ૨૨૨૪ આરસીસી ફલેટ બાધકામ ચાલી રહ્યું છે.
(૬) મનોહરચંપલ ની બાજુમાં કોટૅની રાગ સારંગપુર
(૭) જૈન અપાશ્રય સામે ખેતરપાળની પોળ ચાંદલાઓળ માણેકચોક
(૮) લીબુ પોળ રવિમરાઠી મોટુ કોમર્શિયલ બાધકામ
(૯)૬૦૭૦ – ૬૦૭૨ ફ્લેટ આરસીસી બાધકામ નવાવાસ ની પાછળ હેવમોર આઇસ્કીમપાલર સામે ગોળલીમડા
(૧૦)વીરાણી બ્રધર્સ ની પાછળ ધાસીરામની પોળ
(૧૧)૧૮૧૮ પાડાપોળગાધીરોડ
(૧૨)૮૯૫ તેમજ૮૮૯ પુષ્પકળાની પોળ બાલાહનુમાન ખાડિયા
(૧૩)૧૦૦૫ રાજામહેતાની પોળતથા ૧૦૯ કાલુપુર (૧૪)અંબીકા સાડીસેન્ટરની બાજુમા સારંગપુર ચકલા
(૧૫)સાધનાસ્કુલસામે,પોરવાડનો ખાચો તળીયાનીપોળ સારંગપુર
(૧૬)ખાડિયા-૧ ઘરનં૭૭૪વેરાઇપાડાનીપોળગાધીરોડ
(૧૭)સીટી સર્વે નંબર ૨૦૩૬ ધરનં૧૫૫ જૈનદેરાસર સામે કાગડાશેરી ધાચીનીપોળ માણેકચોક ૮૯ સીટી સર્વે નંબર ૧૨૫ ધાચીનીપોળ માણેકચોક ૧૨૪ધાચીનીપોળ
(૧૮)સીટી સર્વે ૨૮૯૭ તોડીપાડવાનોસીલતોડેલ ૩વખત હુકમ હાલ વપરાશ ચાલુ રાજનગરમાકૅટ બાગવાનગલી ઢાલરગડવાડ (૧૯)જયોતિગશાહની પોળ કાલુપુર દરવાજા
(૨૦) ત્રણ બાધકામ દાડીગરાનીપોળકાલુપુર દરવાજા
(૨૧)મોટી આરસીસી ફ્લેટ સ્કીમ ટાઇપ નુ બાધકામ પથ્થર કુવા પટ્રોલપંપ પાછળ
(૨૨) સના એપાર્ટમેન્ટ ૭, રંગવાળી ચાલી, પુરબીયા વાસ,આસ્ટોડીયા, જમાલપુર.
(૨૩) નવી મસ્જિદ સામે, જમાલપુર
(૨૪) પાંચ પીપળી , પોલીસ ચોકી ,જમાલપુર..
(૨૫) ૩૯ ચો.વારના પ્લોટમાં ૫ માળનું બાંધકામ ,મેરુવાસ, જમાલપુર.. ૧૮૮ અંતર્ગત ફરિયાદ છતાં કામ ચાલી રહ્યું છે.
(૨૬) મ્યુનિસિપલ ભવન ની પાછળ,ઢાલગરવાડ ,કોમર્શીયલ બાંધકામ.. બાંધકામ કરનાર ઃ રાજુભાઇ, આઝાદ ફૂટવેર
(૨૭) હોટેલ ઈરાની, ખાસ બાઝર, ભદ્ર..
મધ્યઝોનના જમાલપુર અને ખાડીયા વોર્ડમાં એસ્ટેટ અધિકારીઓની રહેમનજરે બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ થઈ રહયા છે. જમાલપુર વોર્ડમાં તો લોકડાઉન દરમ્યાન પણ બાંધકામ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યા મુજબ જમાલપુર વોર્ડના પુરબીયાવાસમાં આવેલી રંગવાળી ચાલીમાં સના એપાર્ટમેન્ટ-૭ નામથી દસ માળનું ટાવર બની રહયુ છે. જેમાં કેટલાક યુનિટનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે. આ ટાવરનું બાંધકામ લોકડાઉન દરમ્યાન પણ થયુ હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. જમાલપુર વોર્ડમાં નવી મસ્જિદ સામે પણ સાત માળના ટાવરનું બાંધકામ ચાલી રહયુ છે.
મેરુવાસમાં માત્ર ૩૯ વારના પ્લોટમાં બહુમાળી બિલ્ડીંગ બની રહયુ છે. બાંધકામ કરનાર બિલ્ડર મિત્રતા નિભાવવા માટે કામ કરી રહયા હોવાનો દાવો કરે છે. પરંતુ આ જ બિલ્ડર દ્વારા નવા વાસની પાછળ, હેવમોર આઈસ્ક્રીમ પાર્લર સામે, ગોળલીમડા ખાતે આરસીસી પ્રકારનું બાંધકામ ચાલી રહયુ છે. જેમાં એકત્રીકરણ કરીને બાંધકામ કરવામાં આવ્યુ હોવાનો દાવો થાય છે. પરંતુ આ એકત્રીકરણમાં નિયમોનું પાલન થયું ન હોવાનું નિષ્ણાતો જણાવી રહયા છે. જમાલપુર વોર્ડમાં પાંચ પીપળી પાસે પણ મંજુરી વિના બાંધકામ થઈ રહયા છે. મધ્યઝોનના ખાડીયા વોર્ડમાં પણ ભૂ-માફીયાઓનું એકચક્રી શાસન ચાલી રહયુ છે. ખાડીયા વોર્ડના ઢાલગરવાડમાં મ્યુનિ. ભવનની પાછળ રાજુભાઈ નામની વ્યક્તિ (આઝાદ ફૂટવેર) દ્વારા કોમર્શીયલ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યુ છે.
બાંધકામ માટે પૂર્વ ધારાસભ્યના પુત્ર એ “સોપારી” લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. ઈરાની હોટેલ (ખાસ બજાર)ના આરસીસી બાંધકામ માટે પણ એક પૂર્વ ધારાસભ્યના પુત્ર એ જવાબદારી લીધી છે. જયારે પથ્થરકુવા પેટ્રોલપંપની પાછળ થઈ રહેલા આરસીસી પ્રકારના બાંધકામમાં સ્થાનિક કોર્પોરેટરનો વહીવટ હોવાના આક્ષેપ થઈ રહયા છે. ઢાલગરવાડમાં સીટી સરવે નંબર ર૮૯૭ ના બાંધકામને ત્રણ વખત સીલ કરવામાં આવ્યુ છે તેમજ તોડી પાડવા હુકમ પણ થઈ ગયો છે. તેમ છતાં બાંધકામ ચાલી રહયુ છે. જમાલપુર અને ખાડીયા વોર્ડમાં સ્થાનિક રાજકારણીઓ, એસ્ટેટ અધિકારીઓ અને બિલ્ડરોની મજબૂત સાંઠગાંઠ હોવાના કારણે કાર્યવાહી થતી નથી.
મધ્યઝોન એસ્ટેટ વિભાગના જાણકાર સુત્રોએ જણાવ્યા મુજબ ગેરકાયદેસર બાંધકામોને બચાવવા વોર્ડ ઈન્સ્પેકટર કક્ષાએ નવી જ તરકીબ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ નોટિસો આપીને તોડવાના હુકમ પણ કરવામાં આવે છે.
ત્યારબાદ તેમની સાંઠગાંઠવાળા બે-ત્રણ એન્જીનીયરો ચિત્રમાં આવે છે તેવા બાંધકામ બચાવવા અને પ્લાન મંજુર કરાવવાના ભાવ નકકી થાય છે જે રૂા.પાંચ થી દસ લાખ સુધીના હોય છે. ખાડીયા વોર્ડ ઈન્સ્પેકટરના એક માનીતા ઈજનેર “બ્લેક લીસ્ટ” થયા બાદ અન્યના લાયસન્સ પર આ પ્રકારનો ધંધો કરી રહયા છે. કોટ વિસ્તારમાં માત્ર ટી-ગર્ડર ના પ્લાન મંજુર થઈ શકે છે તેમ છતાં સાંકડીગલીઓમાં પણ બહુમાળી બિલ્ડીંગના પ્લાન મંજુર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે ૯૦ ટકા બાંધકામના પ્લાન મંજુર થતા નથી
તેમ છતાં “ઓન પેપર” બધુ વ્યવસ્થિત ચાલે છે. મધ્યઝોનમાં એસ્ટેટ વિભાગમાં ઘણા વર્ષોથી આ પ્રકારનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહયુ છે.
ખાડીયાના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એકટીવીસ્ટ નિશીથભાઈ સિંગાપોરવાળાના જણાવ્યા મુજબ સાંકડી ગલીઓમાં થતા બહુમાળી બિલ્ડીંગના બાંધકામનો ભોગ સ્થાનિક રહીશો બની રહયા છે. ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડીઓ પણ પોળમાં આવી શકતી નથી. પોળના રહેણાંક મકાનો તૂટીને કોમર્શીયલ બાંધકામ થઈ રહયા છે જેને માત્ર ટેક્ષ બીલ ના આધારે માન્યતા મળી જાય છે હકીકતમાં હેરફેરની સત્તા માત્ર કલેકટર પાસે જ છે તેમ છતાં મ્યુનિ. અધિકારીઓ રહેણાંક મિલ્કતમાં કોમર્શીયલ બાંધકામની મંજુરી આપે છે તે ખોટી બાબત છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ છે.