જમાલપુર તાડની શેરીમાં ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યુ
મધ્ય ઝોન ડે.એસ્ટેટ ઓફીસર અને ઉચ્ચ પોલીસ અધિકારીના નેતૃત્વમાં પૂરબિયાવાસનું બાંધકામ પણ દૂર થશેઃ સૂત્રો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં બેરોકટોક થઈ રહેલા ગેરકાયદસર બાંધકામ સામે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંગળવારે દુધેશ્વર વોટર વર્કસ પાસે કોમર્શીયલ પ્રકારનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે બુધવારે જમાલપુર તાડની શેરી રહેણાંક પ્રકારના બાંધકામ પર થયેલ ત્રણ માળના અનઅધિકૃત બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, ગેરકાયદેસર બાંધકામના બંદોબસ્તને પોલીસ વિભાગ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તેમજ જમાલપુરના ડીમોલેશન સમયે એ.સી.પી.કક્ષાના અધિકારી પણ સતત હાજર રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં ગત સપ્તાહ દરમ્યાન ડીમોલેશન માટે ગયેલ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ સંકટમાં આવી ગઈ હતી તથા પૂરતો પોલીસ બંદોબસ્ત મળ્યો ન હોવાથી બાંધકામ તોડ્યા વિના જ અધિકારીઓ પરત આવ્યા હતા. માત્ર ૩૭ ચો.વારના પ્લોટમાં થયેલા પાંચ માળના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી થઈ ન હોવાથી પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે મ્યુનિ.અધિકારીઓ પોલીસ વિભાગ અને સ્થાનિક રાજકીય નેતાઓ સામે આંગળી ચીંધી હતી. જેના પડઘા બુધવારના ડીમોલેશનમાં જાેવા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યા મુજબ જમાલપુર તાડની શેરીમાં નુર મંજીલ સામે બે માળનું રહેણાંક પ્રકારનું બાંધકામ કરવા માટે પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ બિલ્ડર દ્વારા પરવાનગી વિના છ માળ તથા પેન્ટ હાઉસ સુધીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ બંધ કરવામાં આવ્યું ન હતું. તેથી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર રમેશભાઈ તડવીના નેતૃત્વમાં બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ગુરુવારે પણ ચાલુ રહેશે. જમાલપુર વોર્ડમાં પૂરબિયા વોર્ડમાં સના એપાર્ટમેન્ટ નામથી બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જેના માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ ખાતા દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો ન હતો. તેથી મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં વધુ એક વખત બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે.
જમાલપુર મેરુવાસમાં માત્ર ૩૭ ચો.મી.પ્લોટમાં થયેલ બહુમાળી ઈમારતના ડીમોલેશન સમયે એસ્ટેટ વિભાગને કડવો અનુભવ થયો હતો. તેથી નવા ડીમોલેશન પહેલા જે તે બાંધકામની સંપૂર્ણ વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે તેની જાણ થતાં જ બિલ્ડરો દ્વારા કેટલાંક લોકોને જે તે બિલ્ડીંગમાં કામચલાઉ ધોરણે વપરાશ માટે આપવામાં આવે છે. તેથી જ્યારે એસ્ટેટ ખાતાની ટીમ ડીમોલેશન માટે જાય ત્યારે તેમાં લોકો રહેતા હોવાના દાવા કરવામાં આવે છે ત્યારબાદ સ્થાનિક રાજકારણીઓની દરમ્યાનગીરી બાદ ડીમોલેશન કાર્યવાહી બંધ રાખવાની ફરજ પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બિલ્ડરને પોલીસ વિભાગનો પણ સહકાર મળતો રહે છે.
મેરુવાસ ડીમોલેશનમાં આ હકીકત બહાર આવ્યા બાદ ઝોનના ડે.કમીશનર દ્વારા ડી.એસ.પી.ઝોન-૩ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી તથા આ પ્રકારની ઘટના ફરી ન થાય તે માટે ડીમોલેશન સ્થળે પોલીસ ઈન્સ્પેક્ટરની સાથે ઉચ્ચ અધિકારીની હાજરી માટે સંમતિ થઈ હતી. જેના પગલે તાડની શેરીમાં થયેલા ડીમોલેશન સમયે એ.સી.પી. કક્ષાના પોલીસ અધિકારી હાજર રહ્યા હતા તથા ઝોન-૩ ડીસીપી ચૌહાણે દિવસ દરમ્યાન ચાંપતી નજર રાખી હોવાનું સૂત્રોએ વધુમાં જણઆવ્યું હતું.