Western Times News

Gujarati News

જમીનની તકરારમાં ભત્રીજાએ કાકાનું અપહરણ કર્યુ

પ્રતિકાત્મક

ગોમતીપુરમાં સિલાઈના કારખાનામાં કામ કરતા કાકા ભત્રીજા પંજાબમાં આવેલી જમીનના મુદ્‌ે તકરાર ચાલતી હતીઃ વચ્ચે પડેલા યુવક પર અપહરણકારોએ હુમલો કરતા ગંભીર ઈજા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા, લુંટ, હુમલા તથા મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને  થાળે પાડવા પોલીસતંત્ર દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવેલા છે જેના પગલે શહેરમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમ છતાં ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે.

આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે જમીનની અદાવતમાં ભત્રીજાએ જ કાકાનું અપહરણ કરતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે અપહરણકારોની ચુંગલમાંથી આધેડને છોડાવવા માટે પોલીસતંત્ર દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચારતોલા કબ્રસ્તાનની પાછળ આવેલી એક ચાલીમાં કેટલાક શ્રમિકો રહેતા હતા જેમાં મહેફુસ બશીરઆલમ અંસારી ઉપરાંત હરીભાઈ મહેઝુર રહેમાન અબ્દુલ હક્ક અને નીરુદ્દીન હકનો સમાવેશ થાય છે

આ તમામ શ્રમિકો ગોમતીપુર વિસ્તારમાં જ પુષ્પક એસ્ટેટમાં આવેલા સિલાઈના કારખાનામાં કામ કરે છે અને તેઓ સાથે જ કારખાના પર જતા હતા અને સાથે જ ઘરે પરત ફરતા હતા ચાલીમાં એક જ રૂમમાં આ તમામ લોકો સાથે રહેતા હોવાથી મોટાભાગનો સમય સાથે રહેતા હતાં ગઈકાલે સાંજે આ તમામ શ્રમિકો કારખાનેથી પરત ફર્યા બાદ પોતાની રૂમમાં સાથે જમવા બેઠા હતાં.

શ્રમિકોમાં નીરુદ્દીનહક અને અબ્દુલહક કાકા ભત્રીજા થાય છે ગઈકાલે રાત્રે સાથે જમતા હતા ત્યારે અચાનક જ નીરુદ્દીન હક તેના સાગરિતો સાથે રૂમ પર આવ્યો હતો તેની સાથે આવેલા શખ્સોમાં અલ્ફાઝ અને નદીમ મલિકનો સમાવેશ થાય છે.

આ ત્રણેય આરોપીઓ રૂમ પર આવી જમવા બેઠેલા તમામ શ્રમિકોને ધમકીઓ આપી હતી અને જણાવ્યું હતું કે મારે માત્ર મારા કાકા અબ્દુલ હક્કનું કામ છે અને તેનુ અપહરણ કરવા અમે આવ્યા છીએ જાકે નીરુદ્દીન તેઓની સાથે જ રહેતો હોવાથી અન્ય લોકોએ આવુ કેમ કરે છે

તેવુ પુછતા આરોપીએ જણાવ્યું હતું કે પંજાબમાં તેઓની વારસાઈની જમીન આવેલી છે અને આ જમીનમાં સહી સિક્કા કરવા માટે તેઓ આનાકાની કરતા હોવાથી તેઓનું અપહરણ કરી પંજાબ લઈ જવાના છે આ દરમિયાનમાં મહેફુસ બશીરઆલમે તેનો વિરોધ કર્યો હતો અને અબ્દુલ હકને છોડાવવા માટે વચ્ચે પડયો હતો.

આરોપીઓ અબ્દુલ હકનું અપહરણ કરવા આવતા જ વચ્ચે પડેલા મહેફુસ સાથે ઝપાઝપી કરી હતી અને તેના માથામાં લાકડી મારતા જ તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો જેના પરિણામે અન્ય શ્રમિકો ગભરાઈ ગયા હતા.
આ દરમિયાનમાં આરોપી નીરુદ્દીન હકે પ્લાસ્ટીકની દોરીથી તેના કાકા અબ્દુલ હકના હાથપગ બાંધી દીધા હતા અને ત્યાંથી તેનું અપહરણ કરી ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

અબ્દુલ હકનું અપહરણ અને મહેફુસ પર કરાયેલા હુમલા બાદ અન્ય શ્રમિકોએ તાત્કાલિક તેમના કારખાનાના માલિકને સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેના પગલે તેઓ પણ દોડી આવ્યા હતા અને સૌ પ્રથમ ઈજાગ્રસ્ત મહેફુસને સારવાર માટે  હોસ્પિટલ  લઈ ગયા હતા જયાં તેની સારવાર બાદ સમગ્ર ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને કરતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

આધેડના અપહરણની ઘટનાથી ચોંકી ઉઠેલા અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આ અંગે કારખાનાના માલિક પાસેથી મુખ્ય સુત્રધાર નીરૂદ્દીન હકના પંજાબના એડ્રેસ અંગે પણ માહિતી મેળવી લીધી છે સૌ પ્રથમ સ્થાનિક પોલીસે આ અંગેની જાણ પંજાબ પોલીસને કરતા પંજાબમાં પણ પોલીસ સક્રિય બની ગઈ છે. બીજીબાજુ અમદાવાદ શહેરમાં ઠેરઠેર નાકાબંધી કરવામાં આવી છે અને મુખ્ય આરોપી સાથે આવેલા અલ્ફાઝ અને નદીમના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી

પરંતુ અપહ્યુત અબ્દુલ હકનો કોઈ પત્તો લાગ્યો ન હતો બીજીબાજુ પંજાબમાં રહેતા અબ્દુલના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.