Western Times News

Gujarati News

જમીનની માલિકીના ઝઘડાની અદાવત રાખી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

હત્યા બાદ ગુનો છુપાવવા લાશને ઇડર તાલુકાની હદમાં ફેંકી દેનાર ભત્રીજા સહિત ત્રણ અરોપીઓ પકડાયા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે જમીનના ઝગડાની અદાવત રાખી સગા ભત્રીજાએ પોતાના કાકાને મોતને ઘાટ ઉતારી હત્યા બાદ ગુનો છુપાવવા પોતાના જ બે ભાઈઓની મદદથી લાશને બનાવના સ્થળથી ઢસડીને ઇડર તાલુકાની હદમાં ફેંકી દેતાં

ત્યાંથી લાશનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ કરાવી બનાવના ત્રીજા દિવસે આજે ભત્રીજા સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લઈ આ હત્યાના બનાવની વધુ તપાસ ચિઠોડા પોલીસે હાથ ધરી છે.

મૃતકના પુત્રવધુ ફરિયાદી લીલાબેન રાવજીભાઈએ સૌ પ્રથમ તો પોતાના સસરાનું ઘરેથી કેટલાક લોકો માર મારતા ઘરેથી અપહરણ કરી લઈ ગયા હોવાની જાણકારી પોલીસને આપી હતી પરંતુ ગયા ગુરૂવારના બનાવ બાદ ત્રણ દિવસ સુધી મૃતકનો પત્તો ન મળતા ચિઠોડા પો.સ.ઇ. એમ.એચ.પરાડીયાએ આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધરતા અને મૃતક નવજીભાઈ કાવાજી નિનામાની લાશ ઇડર તાલુકાની હદમાં ફેફી દેવાયેલી મળી આવી હતી અને પોલીસે ગણતરીના જ કલાકોમાં મૃતકના હત્યારા એના જ ભત્રીજા સહિત ત્રણ આરોપી સગાભાઈઓની ધરપકડ કરી લેતા ઘટનાની સિલસીલાબંધ હકીકત બહાર આવી હતી.

આ ઘટનામાં પર્દાફાશ થયા મુજબ ૬૦ વર્ષીય મૃતક કાકા નવજીભાઈ કાવાજી નિનામાના ભત્રીજા રાજેશભાઇ ભીમજીભાઇ નિનામાએ જ કાકાની હત્યા કરી નાખી હતી.જમીનની માલિકી મુદ્દે ચાલતી જૂની અદાવતમાં ભત્રીજાએ કાકાને ઘરેથી ખેંચી જઈને લાકડીઓના ફટકા મારતા કાકા મોતને ભેટી જતા ભત્રીજા રાજેશભાઇ ભીમજીભાઇ નિનામા

અને એના બીજા બે ભાઈઓ મહેન્દ્રભાઇ ભીમજીભાઇ નિનામા તથા સુરેશભાઇ ભીમજીભાઇ નિનામાએ હત્યાની ઘટના છુપાવવા લાશને સગેવગે કરવા છેક ઇડર તાલુકાની હદમાં લાશને ફેંકી દીધી હતી.આ કેસની તપાસ કરનાર પો.સ.ઇ પરાડીયાએ કુનેહપૂર્વક કેસ હેન્ડલ કરતા કાકાનો હત્યા કરનાર ભત્રીજા સહિત ત્રણેય આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા હતા.

આરોપીઓ રાજેશભાઇ ભીમજીભાઇ નિનામા, મહેન્દ્રભાઇ ભીમજીભાઇ નિનામા અને સુરેશભાઇ ભીમજીભાઇ નિનામા(તમામ રહે.ચીત્રોડી, તા. વિજયનગર ) વિરુદ્ધ ઇપીકો કલમ. ૩૦૨ સહિતની જુદી જુદી કલમો મુજબ હત્યાનો ગુનાના અને મદદગાર અસરોપીઓની વધુ પૂછપરછ સાથે ઉડી તપાસ પો.સ.ઇ. એમ.એચ. પરાડીયાએ હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.