જમીનની લાલચમાં દીકરાએ ભાન ગુમાવ્યું, જનેતાને ગડદાપાટુનો માર મારી મોત ઘાટ ઉતારી
જે માતાએ રોટલો ખવડાવ્યો એને જ દીકરાએ મારી નાંખી -જમીનના ટુકડાની લાલચમાં પુત્રે પોતાના દીકરાની મદદથી સગી જનેતાને ગડદાપાટુનો માર મારી મોત ઘાટ ઉતારી
પંચમહાલ, જર જમીન અને જાેરૂ કજીયા ના છોરૂ આ ઉક્તિને યથાર્થ ઠેરવતી ઘટના પંચમહાલના જાંબુઘોડા તાલુકાના જાેટવડ ગામમાં બની છે. જમીનના ટુકડાની લાલચમાં પુત્રે પોતાના દીકરાની મદદથી સગી જનેતાને ગડદાપાટુનો માર મારી મોત ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. માવતરને લજવતું કૃત્ય કરનારા આરોપી પિતા પુત્ર સામે જાંબુઘોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના જાેટવડ ગામમાં રહેતા ગંગાબેન બારીયાના પતિનું ત્રણ વર્ષ અગાઉ નિધન થતાં તેઓ પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા. ગંગાબેનના પતિ વેચાતભાઈનું નિધન થયા બાદ ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશ અને નાના દિકરા સંજયને સરખા ભાગે જમીનનો હિસ્સો આપી જમીનનો એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો.
આ જમીનમાં ગંગાબેનનો નાનો દીકરો સંજય તેઓએ પાસે પરિવાર સાથે રહેતો હોવાથી તે ખેતી કરતો હતો. દરમિયાન ગંગાબેનના મોટા પુત્ર રાજેશે જમીનના ભાગ ફરી પાડવાની માંગણી કરી હતી. જે બાબતનો ગંગાબેને ઇન્કાર કર્યો હતો અને હવે નવેસરથી ભાગ નહિ પડે તેમ કહ્યું હતું.
બીજી તરફ સવારમાં થયેલી આ ચર્ચા મુદ્દે રાજેશ અને તેનો પુત્ર રાહુલ સાંજે ફરી ગંગાબેન પાસે પહોંચ્યા હતા અને ઝગડો કર્યો હતો. દરમિયાન પિતા પુત્રે ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારવા સાથે જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એ વેળાએ રાજેશના ભાભી નયનાબેનને ઝગડાનો અંત લાવવા છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર મારી પિતા-પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ તરફ ગંગાબેન પુત્ર અને પૌત્રના ગડદાપાટુના મૂઢ મારથી બેભાન થઈ જતાં તેમને જાંબુઘોડાના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેઓની હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર માટે તેમના પુત્ર સંજયે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. દરમિયાન ફરજ ઉપરના તબીબે ગંગાબેનને મૃત જાહેર કર્યા હતા. જેથી સગી જનેતાને જમીનના ટુકડા ખાતર મોતને ઘાટ ઉતારનાર રાજેશ અને દાદીને માર મારી હત્યા કરવામાં પિતાને સાથ આપનાર પૌત્ર રાહુલ સામે સંજય ભાઈએ જાંબુઘોડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે પિતા-પુત્રને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સગી જનેતાની હત્યા બાદ આખો પરિવાર વિખેરાઈ ગયો. જમીન ત્યાં જ રહી અને પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં ગયા હતા. પોતાના હિસ્સામાં આવતી જમીન મળ્યા બાદ પણ વધુ જમીન મેળવી લેવાની લાલચ અને પોતાના સગા ભાઈ પાસે જમીન હોવાની આંતરિક ઈર્ષ્યાએ પરિવાર વેરણ છેરણ કરી દીધો છે. જે માતાની સેવા કરવાની હતી એ માતાને પુત્ર અને પૌત્રના હાથે મોત રોટલો નહિં પણ મોત મળ્યું છે.
બીજી તરફ જે જનેતાએ જન્મ આપ્યા બાદ નાનાથી મોટા થયેલા ભાઈને જ પોતાના ભાઈ સામે હત્યાનો ગુનો નોંધાવવાની ફરજ પડી છે. વળી હત્યાના ગુનામાં બાપ બેટો પોલીસ હિરાસતમાં જતાં સ્વજનોની હાલત કફોડી બની છે. આ બાબત જ સૂચવે છે કે લાલચ, ઈર્ષ્યા, સ્વાર્થ અને આવેશ આ બાબતોનો લોભ અને ખોટી અપેક્ષાનું પરિણામ હમેશાં દુઃખદ જ હોય છે.