જમીન પચાવવા અંગે ફરિયાદ કરતા મહિલાને ધમકી આપી
અમદાવાદ: શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૩૯ વર્ષીય મહિલાએ ત્રણ લોકો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં પિતાની જમીન ગેરકાયદે પચાવી પાડવા મામલે મહિલાએ અરજી કરતા આ શખ્સોએ મહિલાનાં ઘરમાં ઘૂસીને પોતાની સામે કરેલી અરજી પાછી ખેંચવા માટે દબાણ કર્યુ હતું. જાેકે, મહિલાએ અરજી પાછી ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ‘અમારી વગ ઉપર સુધી છે, તમે અમારૂ કશું બગાડી નહીં શકો’ તેમ કહીને જાેઈ લેવાની ધમકી આપી હતી. અમદાવાદનાં ચાંદખેડા ગોલ્ડન વિલા બંગ્લોમાં રહેતા માયાબેન અરોરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદ મુજબ તેમના પિતાની ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે માલિકીની ૬૦ કરોડની કિંમતની ૯,૮૦૦ વાર એટલે પોણા ત્રણ વીઘા જમીન આવેલી છે. જે જમીન પર વર્ષ ૨૦૧૬માં સાબરમતીના બળદેવ દેસાઈ, ચંપાબેન દેસાઈ, સાકળચંદ પટેલ તેમજ મનોજભાઈ પંચાલે ગેરકાયદે કબ્જાે જમાવી લીધો છે. જેથી મહિલાએ આ મામલે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. જે અરજી અનુસંધાને અત્યારે ગાંધીનગર એલસીબી ઓફિસમાં તપાસ ચાલી રહી છે.
ગત તા. ૧૭ મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેઓના માતાપિતા સાથે ઘરે હતા. આ સમયે સાંજના સાત વાગે માયાબેન અરોરાનાં ઘરે બળદેવ દેસાઈ, મનોજ પંચાલ તેમજ કનુ દેસાઈ નામના ત્રણ લોકો આવ્યા હતા. જેઓ સાથે ભાટ ગામની જમીન બાબતે ચર્ચા ચાલતી હતી. આ સમયે મહિલાનો ભાઈ પણ ઘરે આવ્યો હતો અને વાતચીત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન ઘરે આવેલા ત્રણેય શખ્સોએ મહિલાને કહ્યું હતું કે તમે અમારી વિરુદ્ધ ગાંધીનગર ખાતે જે અરજી કરી છે તે પરત ખેંચી લો. જેથી મહિલાએ તેઓની અરજી પરત ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મહિલાને કહ્યું હતું કે “અમારી વગ ઉપર સુધી છે,
તમારું કંઈ નહીં આવે, જાે તમે અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડે તો અમને કંઈ કહેતા નહીં. તમને જાેઈ લઈશું.” આવી ધમકી આપીને ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. આવી ધમકી બાદ મહિલા ડરી ગઈ હતી. જે બાદમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળદેવ દેસાઈ, મનોજ પંચાલ અને કનુ દેસાઇ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.