જમીન પચાવી ૪૦ ઓરડીઓ બનાવી ભાડે આપતા શખ્સ સામે ફરિયાદ
કેટલાક સમયથી ૪૦ જેટલા નાની મોટી ઓરડીઓ બનાવીને લોકો રહેતા હતા જેની તપાસ કરતાં મયા સેંધાભાઈ ભરવાડ (ભરવાડવાસ, બોડકદેવ ગામ) નામના શખ્સે આ ઓરડીઓ ગેરકાયદે બનાવીને ભાડેથી આપતો હોવાનું તપાસમાં ખુલ્યુ
સરકારી જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ થઇ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં ગેરકાયદેસર રીતે મિલ્કત પચાવી પાડવાનો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ ઘણાં નાગરીકોએ આ કાયદા હેઠળ ફરીયાદ નોંધાવી છે. તાજેતરમાં જ વસ્ત્રાપુરમાં આવેલી એક સરકારી જમીન પચાવીને શખ્સે ઓરડીઓ બાંધી ભાડે આપી દેતા બોડકદેવના તલાટીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ નોંધાવી છે.
બીજી તરફ રામોલમાં પણ એક વેપારીએ પોતાની નવી દુકાન ખરીદ્યા બાદ કોરોનાના કારણે ગામડે જતા રહયા હતા એ વખતે અસામાજીક તત્વએ દુકાન પચાવી પાડી હતી વેપારીએ પણ બિલ્ડર સહીત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
બોડકદેવ વિસ્તારમાં આવેલા એનએફડી સર્કલ નજીક સરકારી વસાહતની બાજુમાં સરકારી જમીન આવેલી છે જે ગુજરાત પ્રકૃતિ મંડળના નામે છે.
આ જમીન પર કેટલાક સમયથી ૪૦ જેટલા નાની મોટી ઓરડીઓ બનાવીને લોકો રહેતા હતા જેની તપાસ કરતાં મયા સેંધાભાઈ ભરવાડ (ભરવાડવાસ, બોડકદેવ ગામ) નામના શખ્સે આ ઓરડીઓ ગેરકાયદે બનાવીને ભાડેથી આપતો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું જેથી બોડકદેવ વિસ્તારના તલાટી નિકુલકુમાર ચૌધરીએ આ અંગે માયા વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
બીજી ફરીયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં કિરીટભાઈ શીંગડીયા (રોયલ બંગ્લોઝ, નિકોલ) નામના ફર્નિચરના વેપારીએ વસ્ત્રાલમાં આવેલા બાંગલ્ય સેફાયરમાં એક દુકાન ખરીદી હતી જેના વીસ લાખ રૂપિયા બિલ્ડર પ્રકાશ જયંતિ સુવાડીયા તથા નિલેશ જયંતિ સુવાડીયાને ચુકવી આપ્યા હતા
દરમિયાન શહેરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થતાં તે પરીવાર સાથે મુળ વતન પોરબંદર ખાતે જતાં રહયા હતા જયાંથી ગયા વર્ષે ઓકટોબર માસમાં પરત ફરતા તેમની દુકાન રામજી રબારી નામના શખ્સે પચાવી પાડી હતી જેની સાથે વાત કરતાં તેણે પ્રકાશ અને નીલેશ પાસેથી પાંચ લાખ લેવાના છે તે તું આપી દે તેવી વાત કરી હતી
જેથી તેમણે કલેકટર સહીતના અધિકારીઓને અરજી કરતા પ્રકાશ, નિલેશ તથા રામજી તેમની નરોડા ખાતેની ઓફીસે આવ્યા હતા અને રામજીએ પોતાના પાંચ લાખ નહી મળે ત્યાં સુધી દુકાન નહી મળે તેવી વાત કરી ત્રણેયે કિરીટભાઈ અને તેમના ભાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.