જમીન પડાવી લેવા વસ્ત્રાપુરનાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
વેપારીની મહેસાણાની જમીન બારોબાર અજાણ્યા શખ્સે વેચી મારતાં તેમણે કેસ કર્યો હતો
અમદાવાદ, થલતેજમાં રહેતાં એક બિયારણના વેપારીની મહેસાણામાં આવેલી પોતાની જમીન અંગેનો કેસ ચાલી રહ્યો છે. જે સંદર્ભે પાંચ ઈસમો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને કેસ પાછો નહીં લીધો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ જ પાંચેય શખ્સો તેમની ઓફિસે પણ ગયા હતા.
જેથી ગભરાયેલાં વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આશીષભાઈ અંબાલાલ પટેલ, દેવાંશ બંગલો, થલતેજ ખાતે રહે છે અને અવની સીક્સ નામે ઈસ્કોન ચાર રસ્તા ખાતે ખેતીનાં બિયારણનો વેપાર કરે છે. મહેસાણામાં તેમના માતા જ્યોતિબેનના નામે આવેલી જમીન પ્રણવ મણીલાલ પટેલ નામના શખ્સે તેમની જાણ બહાર જ કેટલીક વ્યક્તિઓને વેચી નાખી હોવાનું ધ્યાને આવતા આશીષભાઈના માતાએ આ અંગે પોલીસ કેસ દાખલ કર્યો હતો.
મંગળવારે બપોરે તે પત્ની અને માતા સાથે ઘરે હાજર રહતા ત્યારે અચાનક પાંચ શખ્સો તેમનાં ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને અંબાલાલ વિશે પુછતાં આશીષભાઈએ તે ઘરે નથી તેમ જણાવ્યું હતું. જેને પગલે એક ઈસમે તેમની સાથે ગાળાગાળી કરી મને પ્રણવ મણીલાલ પટેલે મોકલ્યો છે. તમે મહેસાણાવાળો જે ક્સ કર્યો છે તે પરત લઈ લો.
નહીંતર જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી પાંચ શખ્સો ત્યાંથી રવાના થઈ ગયા હતા. જેથી તેમણે પોતાની ઓફિસે ફોન કરતાં આ પાંચેય શખ્સો ઓફિસમાં પણ ગયા હતા. તેમ જાણવા મળતાં તે ગભરાઈ ગયા હતા. અને તુરંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.