જમ્મુ અને કાશ્મીરમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ
નવી દિલ્હી: દેશના ઉત્તરી હિસ્સામાં હાલમાં શીતલહેરની સાથોસાથ જાેરદાર ઠંડી પડી રહી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં જાેરદાર બરફવર્ષા થઈ રહી છે. આ બરફવર્ષાના કારણે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સફેદ ચાદર છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભીષણ ઠંડીના ૪૦ દિવસ એટલે કે ચિલ્લઇ કલાંનો સમય ચાલી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ઘણી બરફવર્ષા થયા બાદ રસ્તાઓ પર બરફથી ઢંકાઈ ગયા છે.
કાશ્મીરમાં રવિવારે શીતલહેર વધુ તેજ થઈ ગઈ અને સમગ્ર ઘાટીમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગબડી ગયું. હવામાન વિભાગનું અનુમાન છે કે કાશ્મીર ઘાટીમાં આગામી ત્રણ દિવસમાં હળવો વરસાદ અને બરફ પડી શકે છે. હાલમાં કાશ્મીર ચિલ્લઈ કલાંની ચપેટમાં છે. આ દરમિયાન ૪૦ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડે છે.
જમ્મુ-કાશ્મીરના રામબનમાં થયેલી બરફવર્ષા બાદ ઠંડીમાં અનેકગણો વધારો થયો છે. ત્યારે સમગ્ર ભારતની અંદર ઠંડીનો પ્રમાણ વધી ગયું છે. ઘણી જગ્યાએ તો પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો છે. ત્યારે લોકોને ઠંડીનો અનુભવ દિવસે પણ થઈ રહ્યો છે. લોકો દિવસે પણ સ્વેટર પહરીને ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ઠંડીનો ચમકારો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.