જમ્મુ-કાશ્મીરઃ ફારુક અબ્દુલ્લાની કસ્ટડીનો અંત, આદેશ જારી કરાયો
શ્રીનગર, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે ૫ ઓગસ્ટે ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી. અબ્દુલ્લા છેલ્લા આઠ મહિનાથી કસ્ટડીમાં છે. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે શુક્રવારે તેમની અટકાયત સમાપ્ત કરવાના આદેશો જારી કર્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (આયોજન) રોહિત કંસલે આ માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે ફારૂક અબ્દુલ્લા સામે પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) રદ કર્યો હતો.
ફારૂક અબ્દુલ્લાની પીએસએ અવધિ બે વાર લંબાવી દેવામાં આવી હતી. ઓગસ્ટમાં અટકાયત કર્યા બાદ સપ્ટેમ્બરમાં તેની ઉપર પીએસએનો આરોપ લાગ્યો હતો. ૧૩ ડિસેમ્બરે, તેની અટકાયત ત્રણ મહિના માટે વધારવામાં આવી. આ સમયગાળો ૧૩ માર્ચના રોજ પૂરો થવાનો હતો, જેનો જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે પીછેહઠ ન કરવાનો નિર્ણય લીધો છે.
એનસી સાંસદ ફારૂક અબ્દુલ્લા અને કાશ્મીરના તમામ અગ્રણી નેતાઓને ઓગસ્ટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને શાહ ફૈઝલનો સમાવેશ થાય છે. બધા ઉપર પીએસએ લાદવામાં આવ્યો છે. ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સમાપ્ત કરવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા છે. બાકીના નેતાઓ હજુ પણ કેદમાં છે.
ગત વર્ષે ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. સંસદમાં બિલ રજૂ થયા પહેલા જ કાશ્મીર મુખ્ય પ્રવાહના મોટાભાગના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમાં ત્રણ પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી ઉપરાંત ઘણા પૂર્વ પ્રધાનો, પૂર્વ ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકને મુક્ત કરવામાં આવ્યા છે. મોટાભાગના ટોચના નેતાઓ હજી પણ કસ્ટડીમાં છે. આ સિવાય સંદેશાવ્યવહાર પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સંખ્યાબંધ પ્રતિબંધો હજી પણ સ્થાને છે, જે ત્યારબાદ ઘટાડવામાં આવ્યા છે.