જમ્મુ-કાશ્મીરના મુદ્દે પણ ચર્ચા કરવા પાક વડાપ્રધાનની તૈયારી
પાક વડાપ્રધાન ઈમરાનખાને વડાપ્રધાનને લખેલ પત્રમાં શાંતિથી વાટાઘાટો માટે હાથ લંબાવ્યો |
(પ્રતિનિધિ દ્વારા) કરાચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તથા નવી સરકારની રચનાની જાહેરાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સાથે શાંતિની ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે.
ભારત સરકારની વિદેશી નીતિ તથા આતંકીઓ સામે કડક હાથે કામ લઈ આતંકીઓનો સફાયો કરવાની જાહેરાતથી પાકિસ્તાનના વડાપ્રધાન ડરી ગયા હોવાનું તજજ્ઞોનું માનવું છે. એક તરફ પાકિસ્તાન બે ભાગમાં વહેંચવા આંદોલન ઉગ્ર બનતું જાય છે. આર્થિક રીતે પણ પાકિસ્તાન બેહાલ થતું જાય છે.
આ સંજાગોમાં ભારત સાથે શાંતિની વાટાઘાટો કરી, બંન્ને દેશો વચ્ચે શાંતિ સ્થપાય એ માત્ર વિકલ્પ પાક વડાપ્રધાન પાસે બાકી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પાકિસ્તાની વડાપ્રધાને ભારતના વડાપ્રધાન મોદીને લખેલ પત્રમાં શાંતિથી વાટાઘાટો શરૂ કરવા જણાવ્યુ છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરની તંગદીલી ઘટાડવા, તથા શાંતિ સ્થપાય એ માટે પણ વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવા તૈયારી બતાવી હોવાનું પણ જાણવા મળે છે. પત્રના પ્રત્યાઘાત જાણવા મળ્યા નથી. પરંતુ વિદેશ મંત્રાલય આ પત્રમાં દર્શાવેલા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી હોવાનું જાણવા મળે છે.