જમ્મુ – કાશ્મીરમાં એનઆઇએએ ૧૪ સ્થળો પર દરોડા પાડયા
શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે, એનઆઈએએ જમ્મુમાં આઈઈડીથી ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટ કરવાના ષડયંત્રમાં શનિવારે જુદા-જુદા ૧૪ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. આમાં શોંપિયા, અનંતનાગ, બનિહાલ અને સુંજવાનનો સમાવેશ થાય છે. જમ્મુમાં આઈઈડી રીકવરી મુદ્દે પોલીસે પકડેલા બે આતંકીની પૂછપરછ બાદ અન્ય બે લોકોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા લોકોની ઓળખ-પરેડમાં નદીમ ઐયુબ રાથર અને તાલિબ ઉર રહેમાન નામ સામે આવ્યા હતા. આ બંને શખ્સો શોપિંયા અને બનિહાલના રહેવાસી છે. આ બંનેની પૂછપરછ બાદ એનઆઈએ દરોડા પાડયા હતા. સૂત્રો અનુસાર, આતંકીઓના ટાર્ગેટ પર જમ્મુના ધાર્મિક સ્થળો હતા. આતંકી નદીમને એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો તે દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી. ગત ૨૭ જૂને જમ્મુના નરવાલ વિસ્તારમાં આઈઈડી સાથે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. જાે કે, ગૃહમંત્રાલયે થોડા દિવસ પહેલાં આ તપાસ એનઆઈએને સોંપી હતી જયારે આઈઈડીની સાથે બે શખ્સો ઝડપાયા હતા. એ સમયે જમ્મુ એરબેઝ પર બે ડ્રોનથી હુમલો થયો હતો.