Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન

સરકાર રચવાની તૈયારી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો છે

જમ્મુ કાશ્મીર,જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે ઘાટીમાં છ વર્ષથી લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હવે હટાવી લેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો છે. તેણે ૪૯ બેઠકો જીતી છે જ્યારે ભાજપને ૨૯ બેઠકો મળી છે.જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ૧૦ વર્ષ પહેલા ૨૦૧૪માં યોજાઈ હતી. ચૂંટણી બાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

પરંતુ ૨૦૧૮માં ભાજપે સમર્થન પાછું ખેંચી લીધા પછી સરકાર પડી ગઈ અને મહેબૂબા મુફ્તીએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, જે હવે હટાવી લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ અને ૩૫A ને રદ કરવા અને ક્ષેત્રમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશો – જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરાયા બાદ લગાવાવમાં આવ્યું હતું.ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલી નેશનલ કોન્ફરન્સને અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન મળવા લાગ્યું છે. હવે જમ્મુની છમ્બ વિધાનસભાથી ચૂંટણી જીતેલા અપક્ષ નેતા સતીશ શર્મા નેશનલ કોન્ફરન્સમાં જોડાયા છે.

રવિવારે ડોડામાં એક રેલીને સંબોધતા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી એનસીને સરકાર બનાવવામાં સંપૂર્ણ મદદ કરશે.જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૬ ઓક્ટોબરે શ્રીનગરમાં યોજાઈ શકે છે. જો કે શપથગ્રહણની છેલ્લી તારીખ હજુ સુધી સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.ગુરુવારે યોજાયેલી નેશનલ કોન્ફરન્સની બેઠકમાં પાર્ટીએ સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.

પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પાર્ટીના વિધાયક દળની બેઠક યોજાઈ હતી, જેમાં ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ વખતે તેઓ ગાંદરબલ અને બડગામથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.