જમ્મુ-કાશ્મીરમાં શિક્ષકની હત્યા બાદ ૧૦૦ થી વધુ હિન્દુ પરિવારોએ સ્થળાંતર કર્યું: અહેવાલ
શ્રીનગર,કાશ્મીર ઘાટીમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સરકાર સામે નવી મુશ્કેલી ઊભી કરી છે. બુધવારે એક સમુદાયના નેતાએ દાવો કર્યો હતો કે કુલગામમાં એક હિંદુ શિક્ષકની હત્યા બાદ ઓછામાં ઓછા ૧૦૦ હિંદુ પરિવારો કાશ્મીર છોડીને ભાગી ગયા છે. શ્રીનગરના દક્ષિણમાં કુલગામમાં એક સરકારી શાળાની બહાર આતંકવાદીઓએ મંગળવારે ૩૬ વર્ષીય રજની બાલાની ગોળી મારીને હત્યા કરી દીધછી હતી.
બારામુલ્લામાં કાશ્મીરી પંડિત કોલોનીના પ્રમુખ અવતાર કૃષ્ણ ભટે જણાવ્યું હતું કે મંગળવારથી આ વિસ્તારમાં રહેતા ૩૦૦ પરિવારોમાંથી લગભગ અડધા લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. તેઓએ દાવો કર્યો હતો કે ગઈકાલની હત્યા બાદ તેઓ ડરી ગયા હતા. અમે પણ આવતીકાલે જ ચાલ્યા જઈશું, અમે સરકારના જવાબની રાહ જાેઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે સરકારે અમને કાશ્મીરમાંથી શિફ્ટ થવા કહ્યું હતું.
રહેવાસીઓએ દાવો કર્યો હતો કે પોલીસે શ્રીનગરના એક વિસ્તારને સીલ કરી દીધો છે અને કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓ જ્યાં રહે છે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. જ્યારે સ્થાનિક વહીવટીતંત્રે પરિવારોના હિજરત અંગે ટિપ્પણી કરવાની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગયા મહિને કાશ્મીરી પંડિતોને ખાતરી આપી હતી કે તેમની સુરક્ષા માટે પગલાં લેવામાં આવશે.
ગયા મહિને જીલ્લા ઓફિસમાં કામ કરતા કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તેમની ઓફિસની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે કાશ્મીરી પંડિત સમુદાયના અન્ય કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. તેઓએ કાશ્મીર ઘાટીની બહાર સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની માંગ કરી હતી.નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ કર્યા પછી ૧૫ દિવસથી ઓછા સમયમાં આ બીજી આવી બેઠક હશે. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે.hs2kp