જમ્મુ કાશ્મીરમાં સીમા સુરક્ષા દળે ૧૩૫ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું
શ્રીનગર: સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ બુધવારે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થોની તસ્કરી કરી રહેલા એક શખ્સને ઠાર માર્યો હતો. તે વ્યક્તિ પાસેથી આશરે ૧૩૫ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના બીઓપી હીરાનગર સેક્ટરના પંસાર ક્ષેત્ર ખાતે બની હતી. બીએસએફના કર્મીઓએ તસ્કરને સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા જાેયો હતો અને તેને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં તે માન્યો નહોતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો જેથી ગોળી ચલાવવી પડી હતી. હજુ સુધી મૃત તસ્કરની કોઈ ઓળખ સામે નથી આવી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અભિયાન દરમિયાન તેના પાસેથી ૨૭ કિગ્રા હેરોઈન પણ મળી આવ્યું હતું. આ હેરોઈનનું આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૩૫ કરોડ રૂપિયા જેટલું મૂલ્ય હોવાનો અંદાજાે છે.પ્રવક્તાએ જણાવ્યું કે, ૨૩ જાન્યુઆરીના રોજ બીએસએફને ૧૫૦ મીટરની એક ભૂમિગત સુરંગ અંગે જાણ થઈ હતી. આ સુરંગ બીઓપી પંસાર ક્ષેત્રમાં વિધ્વંસક ગતિવિધિઓ કરવા માટે પાકિસ્તાનથી આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરવા બનાવવામાં આવી હતી.