Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં ૨૪ કલાકમાં નવ આતંકવાદીને ઠાર કરાયા

File Photo

જુદાં જુદાં ઓપરેશનમાં છેલ્લા ૬ માસમાં ૯૩ આતંકીને ઠાર કરાયા, જેમાં અનેક મોટા આતંકીઓ પણ સામેલ છે
નવી દિલ્હી,  જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં ૨૪ કલાકમાં સુરક્ષા દળોએ ૯ આતંકીને ઠાર કર્યા હતા. આ આતંકીઓને બે જુદી જુદી અથડામણમાં મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ૭મી જૂનને રવિવારે ૫ આતંકીને ઠાર કરાયા હતા. ત્યારબાદ ૮મી જૂને સવારથી અથડામણ જારી રહી હતી. જેમાં ૪ આતંકીને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.

આ દરમિયાન સુરક્ષા દળોના બે જવાન પણ ઘાયલ થયા હતા. આ અથડામણ પિજોંરા વિસ્તારમાં થઈ હતી. સુરક્ષા દળોએ ખાત્મો બોલાવેલા આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીન જૂથ સાથે સંકળાયેલા હોવાની વિગતો ઉજાગર થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સૈના સહિતના સુરક્ષાઓના જુદાં જુદાં ઓપરેશનમાં વિતેલા ૬ માસમાં ૯૩ આતંકીઓને ઠાર કરાયા હતા.

જેમાં અનેક મોટા આતંકીઓના નામ પણ સામેલ છે. જેવા કે રિયાઝ નાયકૂ, જુનેદ સહરાઈ. સુરક્ષા દળોના જણાવ્યા મુજબ હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં ૨૪૨ આતંકીઓ સક્રિય છે. જેમાંથી ૧૦૪ પાકિસ્તાની છે. સુરક્ષા દળોએ સોમવારે ઠાર કરેલા ૪ આતંકીઓમાંથી બે હિઝબુલ મુઝાહિદ્દીનના મોટા નામ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે અથડામણમાં ઠાર આતંકીઓની ઓળખ હજુ સુધી ઉજાગર કરી ન હતી. તા.૭મી જૂને શોપિયાના રેબાન ગામમાં અથડામણ થઈ હતી. જે સવારે ૮.૩૦ કલાકે શરૂ થઈ હતી.

સુમાહિતગાર સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ બાતમીના આધારે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો જડબાતોડ જવાબ સુરક્ષા દળોએ આપ્યો હતો. આ અથડામણ મોડી સાંજ સુધી જારી રહી હતી. સ્થળ પરથી આતંકીઓના શબ મળ્યા હતા. ત્યારબાદ જવાનોએ સમગ્ર વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન વિતેલા એક સપ્તાહમાં લગભગ ૧૫ આતંકીને ઠાર કરી દેવાયા છે.

ગત તા. ૨જી જૂને સુરક્ષા દળોએ ત્રાલમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેના બીજા દિવસે ૩જી જૂને પુલવામાના કંગનમાં સુરક્ષા દળોએ ૩ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમની ઓળખ જૈશના કમાન્ડર અબ્દુલ રહેમાન, ઈદરીશ અને લંબૂ તરીકેની થઈ હતી. તા.૪થી જૂને રાજૌરીમાં એક આતંકીને ઠાર કર્યો હતો, અને હવે ૭મીએ ૫ અને ૮મી જૂને ૪ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.