જમ્મુ કાશ્મીરમાં ૫૦૦૦૦ સરકારી નોકરીની જાહેરાત
રાજ્યના વિકાસને ધ્યાનમાં લઇ તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે – યુવતી માટે અલગ કોલેજ, પાંચ મેડિકલ કોલેજ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ નિયંત્રણોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા આજે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે ૫૦૦૦૦ સરકારી નોકરી આપવાની આજે જાહેરાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ઝાટકણી પણ કાઢી હતી. સરકારે જમ્મુ કાશ્મીર અને લડાખના વિકાસ માટે વિકાસની રુપરેખા તૈયાર કરી લીધી છે.
આ સંદર્ભમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે જાહેરાત કરી હતી કે, આગામી બેથી ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લડાખમાં ૫૦૦૦૦ સરકારી નોકરીઓની સીધી ભરતી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એકબે દિવસમાં કાશ્મીરના વિકાસ માટે વધુ મોટી જાહેરાતો કરવામાં આવનાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેટલાક લોકો રાજકીય સ્થિતિને ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગવર્નર મલિકે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, કલમ ૩૭૦ પર નિર્ણય જમ્મુ કાશ્મીર અને લડાખના લોકોના હિતો અને તેમના વિકાસ માટે લેવામાં આવ્યો છે.
આવનાર બેથી ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લડાખમાં હજારોની સંખ્યામાં નોકરીઓ ઉપલબ્ધ કરાવાશે. ટૂંક સમયમાં જ પોસ્ટ અને અરજી કરવાની તારીખ અને અન્ય પ્રક્રિયા સંદર્ભમાં માહિતી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સાત લાખ સફરજન ઉત્પાદકોની સમસ્યાઓથી અમે વાકેફ છીએ. ૫૦ ડિગ્રી કોલેજા પણ ખોલવામાં આવશે. યુવતીઓ માટે અલગ કોલેજ બનાવવામાં આવશે. પાંચ નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવનાર છે. દરેક જિલ્લામાં એક આઈઆઈટી બનાવવામાં આવશે. કાશ્મીરમાં વિકાસ માટે કઇ કઇ ચીજા થઇ શકે છે તે અંગે વડાપ્રધાને દરેક મંત્રાલયને સૂચના આપી છે.