જમ્મુ-કાશ્મીરમાં ૫.૫ તીવ્રતાના ભૂકંપના ચાર આંચકા નોંધાયા
શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં સોમવાર રાત્રે બે કલાકથી પણ ઓછા સમયમાં ૪.૭થી ૫.૫ સુધીની તીવ્રતાવાળા ભૂકંપના ચાર આંચકા અનુભવાયા. આ ઘટનાની જાણકારી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપી છે. ભૂકંપનો ૪.૭ તીવ્રતાનો પહેલો આંચકો રાત્રે ૧૦ઃ૪૨ વાગ્યે અનુભવાયો. જેની ૬ મિનિટ બાદ ૫.૫ તીવ્રતાવાળો બીજો આંચકો અનુભવાયો. બીજી તરફ સામે આવેલી જાણકારી મુજબ, ભૂકંપના બંને આંચકાનું કેન્દ્ર જમીનની ૧૦ કિમી નીચે સ્થિત હતું.
ત્યારબાદ રાત્રે ૧૦ઃ૫૮ વાગ્યે ૪.૬ તીવ્રતાનો ત્રીજો આંચકો આવ્યો અને પછી રાત્રે ૧૧ઃ૨૦ વાગ્યે ભૂકંપનો ચોથો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૫.૪ હતી. ત્રીજા અને ચોથા આંચકાનું કેન્દ્ર ક્રમશઃ ૩૬ અને ૬૩ કિમી જમીનની નીચે હતું. આ દરમિયાન કોઈ પણ જાનહાની કે કોઈ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
ભૂકંપના કારણે જમીન હલતી જોઈને સ્થાનિક લોકો પોતાના ઘરોથી બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ, સ્થાનિક પ્રશાસને થોડીવાર સુધી લોકોને ઘરથી બહાર રહેવાની સૂચના આપી હતી. ૪.૭થી ૫.૫ તીવ્રતાના ભૂકંપના આંચકાઓને કારણે ઘરોની બારીઓ અને દરવાજા હલવા લાગ્યા. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, અનેક ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલમં ૩.૭ હતી. ભૂકંપના આંચકાએ ઘરોની દિવાલોને હલાવી દીધી હતી.આ ઉપરાંત આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં રાત્રે ૧૦ઃ૨૯ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા જેની તીવ્રતા ૫ નોંધાઈ હતી.