જમ્મુ-કાશ્મીરમાં ૮ આતંકવાદીઓ ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ આ વર્ષે ૧૦૦થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં બે વાર અલગ અલગ અથડામણમાં ૮ આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે અવંતીપોરાનાં પંપોરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. બે આતંકવાદીઓ મસ્જિદમાં ઘુસ્યા હતા, જેમને સવારે મારી પડાયા છે.
શોપિયાં જિલ્લાનાં બંદપાવા વિસ્તારમાં ગુરૂવારથી આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલી રહી છે. શુક્રવાર સવારે સુરક્ષાદળોએ પાંચમાં આતંકવાદીને પણ માર્યો છે. સુરક્ષાદળોનું કહેવું છે કે અત્યારે વિસ્તારમાં વધારે આતંકવાદીઓ છુપાયેલા હોઇ શકે છે. આ કારણે સર્ચ આૅપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારે ફાયરિંગ બંધ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસનાં આૅફિસરનું કહેવું છે કે શોપિયાં અથડામણમાં ૪ આતંકવાદીઓની લાશ મળી છે, પરંતુ અત્યારે પાંચમાં આતંકવાદીની લાશ શોધવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ બાદ પોલીસ, આર્મીની ૪૪ આરઆર અને સીઆરપીએફે સર્ચ આૅપરેશન ચલાવ્યું હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે શોપિયાં ઉપરાંત મેજ પંપોરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અત્યારે આખા વિસ્તારમાં સર્ચ આૅપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો માટે શોપિયાં અને પંપોર અથડામણમાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે અઠવાડિયામાં સેનાએ લગભગ ૨ ડઝન જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો આખા વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૧૦૦થી વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળોનો આતંકવાદીઓ પર પ્રહાર ચાલું છે.