જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ૧૮ લોકોનાં મોત; ઉત્તરાખંડમાં ૮૦ ગામનો સંપર્ક તૂટ્યો
નવીદિલ્હી: ભારે વરસાદ પહાડી રાજ્યો પર આફત બની તૂટી રહ્યો છે. બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૮ લોકોનાં મોત થયાં છે અને ૫૦ લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ-ચીલા માર્ગ પર બીન નદીનો જળસ્તર વધી ગયો છે. એને લીધે ૮૦ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીજી બાજુ, રાજસ્થાનમાં પણ ચોમાસું સક્રિય થતાં બુધવારે ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો. હવામાન વિભાગનું કહેવું છે કે ૧ ઓગસ્ટ સુધી પૂર્વ રાજસ્થાનમાં ચોમાસું સક્રિય રહેશે.
અમરનાથ ગુફા પાસે બુધવારે બપોરે ૩.૪૫ વાગ્યે વાદળ ફાટવાથી ભારે વરસાદ પડ્યો હતો. એનાથી પહાડો પરથી માટી અને પાણી તળેટી પર આવી ગયાં હતાં. અમરનાથ ગુફા સુરક્ષિત છે, પરંતુ સેવા કાર્યો અને સુરક્ષાદળોનાં કેટલાક ટેન્ટ અને નાના પુલ તણાઇ ગયા હતા. ગુફાની આજુબાજુ કોઇ દર્શનાર્થી ના હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. કોરોનાના લીધે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેથી કોઇ શ્રદ્ધાળુ ત્યાં હતા નહીં. નહીં તો સામાન્ય સંજાેગોમા અમરનાથની યાત્રામાં લાખો લોકો જાય છે.
જમ્મુના કિશ્તવાડ જિલ્લાના હોંજાર ગામમાં બુધવારે વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. એમાં ૬થી ૮ ઘરો તણાઇ ગયાં હતાં. કાદવમાંથી ૮ મૃતદેહ મળ્યા છે. કારગિલમાં બે જગ્યા પર વાદળ ફાટવાથી મિની પાવર પ્રોજેક્ટ અને એક ડઝન ઘરોને નુકસાન પહોંચ્યું છે.
હિમાચલના આપત્તિ વ્યવસ્થાપન નિયામક એસ.કે મોખ્તાએ જણાવ્યું હતું કે લાહૌલ-સ્પિતિના તેજિંગ નાળામાં પૂર આવવાથી ૧૦ લોકો તણાઇ ગયા હતા. એમાં ૭ મૃતદેહો મળ્યા હતા, જાેકે હજી ૩ ગુમ છે. ચંબામાં એક વ્યક્તિનું મોત થયું છે. કુલુમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટથી જાેડાયેલા એક અધિકારી અને દિલ્હીના પ્રવાસી સહિત ૪ લોકો ગુમ છે. કુલુમાં મણિકરણ પાસે બ્રહ્મગંગામાં જળસ્તર વધવાથી મા-દીકરો તણાઇ ગયાં હતાં.
મણિકરણના રહેવાસી રોશન લાલે જણાવ્યું હતું કે સવારે ૬ વાગ્યા હતા. અચાનક ભયાનક અવાજાે સંભળાવા લાગ્યા અને જાણવા મળ્યું કે નદીમાં પૂર આવ્યું છે. મેં ઘરેથી નીકળી સુરક્ષિત સ્થાને ભાગવાનો પ્રયત્ન કર્યો. મારી પૂત્રવધુ તેના ૪ વર્ષના પુત્રને પીઠ પર ઊંચકીને ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી, એ જ સમયે ભારે પૂરનો કાદવ અને લાકડીઓ તેના પર આવીને પડ્યાં અને મારી આંખોની સામે જ મારી પૂત્રવધૂ અને પૌત્ર તણાઇ ગયાં.
મારું દુર્ભાગ્ય છે કે તેમને બચાવવા હું કઇ કરી ના શક્યો અને કુદરતના આ કહેરે મને તેમને બચાવવા એક તક પણ ના આપી.રાજ્યના લાહૌલ સ્પિતિના તોજિંગ નાળા અને કુલુમાં મણિકર્ણની બ્રહ્મગંગા નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. ખીણની દરેક નદીમાં પૂર આવ્યા છે, જેને જાેતા એસપી લોહોલ સ્પિતિ માનવ વર્માએ એડવાઇઝરી જાહેર કરતા સમયે લોકોને અપીલ કરી છે કે મનાલી-લેહ હાઇવે પર અને લાહૌલ-સ્પિતિની યાત્રા કરવાથી બચવું.પૂરમાં તણાઇ ગયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ-ઑપરેશન સતત ચાલુ છે. આખી રાત બચાવકાર્ય ચાલતું રહ્યું, પરંતુ બુધવારે સવાર સુધી એક જ મૃતદેહ મળ્યો. બીઆરઓ લેફ્ટિનન્ટ કર્નલ પ્રમાણે, આગળના ૧૨ કલાક સુધી સફાઇ માટે સ્થિતિ સુરક્ષિત નથી. એ કારણે સ્તર ઘટવા પછી રસ્તા પરથી કાદવ હટાવવામાં આવશે.
કુલ્લુની મણિકર્ણ ખીણમાં બ્રહ્મગંગા નદીમાં સવારે છ વાગ્યે પૂર આવ્યુ હતું. એમાં માતા-પુત્રના તણાવાના અહેવાલો છે. એક કેમ્પિંગ સાઇટ પર પણ પાણી ભરાઈ ગયાં છે. અન્ય એક મહિલા પણ ગુમ હોવાનું કહેવાય છે, જેની પુષ્ટિ થવાની બાકી છે.
બ્રહ્મગંગા નદીનો જળસ્તર વધ્યો ત્યારે અરાજકતા ફેલાઈ હતી. લોકો સલામત સ્થળો તરફ દોડવા લાગ્યા. દરમિયાન માતા-પુત્ર પણ સલામત સ્થળ તરફ દોડવા લાગ્યાં હતાં, પરંતુ પૂરમાં બંને અચાનક તણાઈ ગયાં હતાં. પ્રશાસને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.ગંગોત્રી ધામની પાસે નદીમાં પહાડ પડવાથી તેમજ વરસાદને કારણે ગંગા નદીનો જળસ્તર વધી ગયો છે. ત્યાં ઋષિકેશ-ચીલા માર્ગ પર બીન નદીનો જળસ્તર પણ વધી ગયો છે, જેથી ૮૦ ગામનો સંપર્ક તૂટી ગયો છે. મસૂરીના કેમ્પટી ફોલ્સમાં પણ જળસ્તર વધી ગયો છે.
રાજ્યમાં ચોમાસું સક્રિય હોવાથી બુધવારે અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ધૌલપુરમાં ૩૯ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જયપુરમાં પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે ૧ ઓગસ્ટ સુધી પૂર્વી રાજસ્થાનમાં ચોમાસું સક્રિય રહેશે. આજે સિકર, અલવર, જયપુર, દૌસા, ટોંક, બુંદી, સવાઈમાધોપુર અને કરૌલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૩૦ જુલાઈએ બારાન, સિકર, જયપુર, સવાઈમાધોપુર, અને ટોંક ખાતે ભારે વરસાદની સંભાવના છે.