જમ્મુ કાશ્મીર : જેશ કમાન્ડર સજ્જા ઠાર, સેનાને સફળતા
જેશના કમાન્ડર ઉપરાંત સુરક્ષા દળોની સાથે અથડામણમાં અન્ય એક આતંકવાદી પણ ઠાર |
અનંતનાગ : જમ્મુકાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. કારણ કે પુલવામા ત્રાસવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર અને જેશ કમાન્ડર સજ્જાદ ભટ્ટને સુરક્ષા દળોએ ઠાર કરી દીધો હતો. આ ઉપરાંત એનકાઉન્ટરમાં અન્ય એક ત્રાસવાદી ઠાર થયો હતો. જા કે સેનાનો એક જવાન પણ શહીદ થયોહતો. સુરક્ષા દળોના ઓપરેશનને લઇને સેના દ્વારા આજે માહિતી આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે પુલવામાં હુમલા બાદથી સજ્જાદ ભટ્ટ સુરક્ષા દળોના ટાર્ગેટ પર હતો. સજ્જાદે જ કારમાં આઇઇડી ભરીને સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવવા માટેની યોજના બનાવી હતી. હજુ સુધી અથડામણના સ્થળથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબેજ કરવામાં આવ્યા છે. પોલીસના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના બિજબહેરા વિસ્તારમાં ત્રાસવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે સર્ચ કામગીરી ચાલી રહી હતી ત્યારે છુપાયેલા ત્રાસવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા જેશ કમાન્ડર ઠાર થયો હતો. તેની સાથે એક સાગરીત પણ ફુંકાયો હતો. આ પહેલા સોમવારના દિવસે અનંતનાગમાં સુરક્ષા દળોની ત્રાસવાદીઓની સાથે અથડામણ થઇ હતી. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.
જા કે તેમાં મેરઠના નિવાસી મેજર કેતન શર્મા પણ શહીદ થયા હતા. પોલીસે એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, શોધખોળ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. સોમવારના દિવસે પણ અનંતનાગમાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. હાલના સમયમાં ત્રાસવાદીઓ ફરી એકવાર સક્રિય થયા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ત્રણથી વધુ હુમલાઓ કરવામાં આવી ચુક્યા છે.
જેના પરિણામ સ્વરુપે ફરી એકવાર સુરક્ષા દળો સાવધાન થઇ ગયા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ત્રાસવાદીઓના સમર્થકો અને ત્રાસવાદીઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષે ઓપરેશનમાં ૧૦૦થી વધુ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવી ચુક્યો છે છતાં ત્રાસવાદી હિંસાનો દોર જારી રહ્યો છે. આતંકવાદીઓની ભરતી પણ જારી રહી છે. આતંકવાદી સજ્જાદ ભટ્ટને ખુબ જ કુખ્યાત ત્રાસવાદી તરીકે ગણવામાં આવી રહ્યો હતો.