જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાનો ડ્રોન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા ૧૨,૦૦૦ અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાનો ડ્રોન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે.
અમરનાથ યાત્રા ૩૦ જૂનથી શરૂ થઈ રહી છે. કોરોના વાયરસના ચેપને કારણે આ યાત્રા વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૦માં થઈ શકી નથી. જયારે વર્ષ ૨૦૧૯ માં, બંધારણની કલમ ૩૭૦ ની મોટાભાગની જાેગવાઈઓને નાબૂદ કરતા પહેલા, આ યાત્રા નિર્ધારિત સમય કરતા વહેલા સમાપ્ત થઈ ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ સચિવે અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી.
તેમણે કહ્યું કે પહેલગામ અને બાલટાલ યાત્રાના રૂટ પર જમ્મુ અને કાશ્મીર પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના ૧૦,૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ યાત્રામાં ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, અમરનાથ યાત્રા ૧૧ ઓગસ્ટે સમાપ્ત થશે.HS