જમ્મૂ-કાશ્મીરમાં આર્મી કેમ્પ પર ઉરી જેવો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ફરી એક વાર ઉરી જેવો હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકીઓની ટીમ આર્મીના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે. વિદેશી આતંકીઓએ જૈશ-એ-મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં તબાહી મચાવવાનું ષડયંત્ર રચ્યું છે.એવું કહેવાય છે કે આતંકીઓ દ્વારા ર૬ જાન્યુઆરી પહેલાં અથવા તેની આસપાસ હુમલો કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર રાજપુરા પુલવામાના સફરજનના એક ભાગમાં આતંકીઓની બેઠક યોજાઇ હતી. વિદેશી આતંકીઓએ જૈશ-એ-મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ સાથે બેઠક કરી હતી.
આ ખાનગી બેઠકમાં હિઝબુલના કમાન્ડર જહાંગીર મલિક અને જૈશના કમાન્ડર જાહિદ મનસૂરી સહિત ટોચના કુલ ૮ આતંકીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જૈશનો પણ એક સૌથી મોટો આતંકી યાસીર પારે પણ હાજર હતો.
ગુપ્ત દસ્તાવેજો અનુસાર આતંકીઓ ૨૬ જાન્યુઆરી અથવા તેની આસપાસ અને આ મહિનાના અંત સુધીમાં આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે. હુમલા માટે આ આતંકીઓને બીજા આતંકી જૂથ શેલ્ટર સહિતની અન્ય લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડશે. આ આત્મઘાતી હુમલાની જવાબદારી યાસીર પારેને સોંપવામાં આવી છે.