જયપુરની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના તમામ બેડ ફૂલ

જયપુર: કોરોનાના સંક્રમણે મચાવેલા હાહાકારની વચ્ચે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે.
રાજસ્થાનના જયપુરમાં રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ આરયૂએચએસમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. અહીંયા ૧૨૦૦ જેટલા બેડ છે, ૧૬૭ વેન્ટિલેટર અને ૨૫૦ આઈસીયુ બેડ છે. આ તમામ ફુલ થઈ ગયા છે. હવે દર્દીઓને હોસ્પિટલના દરેક ફ્લોરની ગેલેરીમાં બેડ નાંખીને દાખલ કરવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલના પાંચમાથી લઈને આઠમા ફ્લોર સુધી ગેલેરીમાં બેડ મુકવામાં આવ્યા છે. જ્યાં લોકો સારવાર લેતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ વેક્સિન લગાવવા માટે પણ રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ જાેવા મળી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ કોરોનાની પણ સારવાર માટે સ્ટાફ લગાવાયો હોવાથી વેક્સીન માટે પૂરતો સ્ટાફ નહીં હોવાની અને લોકોને કલાકો સુધી બેસી રહેવુ પડતુ હોવાની બૂમો પડી રહી છે. રાજસ્થાન સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્યમાં ૩ મે સુધી લોકડાઉન જેવા આકરા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી દીધી છે