જયપુરની હોટેલમાંથી બે કરોડના દાગીના ચોરી ભાગેલો મહાઠગ સુરતથી ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/arrest.jpg)
સુરત, રાજસ્થાનના જયપુરની ફાઈવ સ્ટાર હોટેલ કલાર્કસ ઓમેરમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારંભમાં આવેલા મહેમાનના લોકરમાંથી બે કરોડના હીરા, રત્ન જડિત દાગીના, ૯પ હજારની રોકડ ચોરીને ભાગેલા મહાઠગ જયેશ સેજપાલને સુરત ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો હતો. તેની પાસેથી બે કરોડના દાગીના ઉપરાંત રોકડા ૩૭,૯પ૦ રૂપિયા રોકડા કબજે લેવાયા હતા.
મુંબઈ, આગ્રા, હૈદરાબાદ, કેરલા, કોઈમ્બતુર, વિશાખાપટ્ટનમ સહિતના શહેરોની ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ કરી ત્યાં ર૦૦૩થી ચોરી કરતો જામનગરનો મહાઠગ જયેશ રવજી સેજપાલ દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી મયુરા હોટેલમાં છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમબ્રાંચની ટીમ ફિલ્ડિંગ ભીર રહી હતી.
હોટેલ કલાર્કસ ઓમેરમાં લગ્ન સમારંભમાં છત્તીસગઢના રાજીવ બોથરાની પુત્રીના ભવ્ય લગ્ન હતા. તેમાં રાજીવ બોથરાના દિલ્હી રહેતા મામા રાહુલ બંધલી પત્ની આરતી સાથે લગ્ન હાજરી આપવા આવ્યા હતા. મહેમાનોને રોકાવા માટે છઠ્ઠા અને સાતમા માળે કુલ ૪પ રૂમ બુક કરાયા હતા.
રૂમ નંબર ૭૩૪માં રોકાયેલાં રાહુલ બંધલીની ગેરહાજરીમાં તેમના રૂમમાં પ્રવેશીને જયેશે બે કરોડના હીરાજડિત દાગીના, રોકડા ૯પ હજાર ચોરીનો તરખાટ મચાવ્યો હતો. જયપુર પોલીસની દોડાદોડી વચ્ચે સુરત ક્રાઈમબ્રાંચે જયેશને દબોચી લઈ તેની પાસેથી બે કરોડના દાગીના, રોકડા ૩૭,૯પ૦ કબજે કરી જયપુર પોલીસને જાણ કરતાં જ ફલાઈટથી આવેલી જયપુર પોલીસ તેને ફલાઈટથી જ પરત લઈ ગઈ હતી.