જયપુર – થાણેમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર
નવીદિલ્હી: એક દિવસ ભાવ સ્થિર રહ્યાં પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતાં. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૪ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૨૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૯૩.૬૮ રૂપિયા અને લિટર ડીઝલનો ભાવ ૮૪.૬૧ રૂપિયા થઇ ગયો છે. જયપુરમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. જયપુરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૦.૧૭ રૂપિયા થઇ ગયો છે.
આજના ભાવવધારા પછી મુંબઇમાં પણ એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાની નજીક થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૯.૯૪ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૯૧.૮૭ રૂપિયા થઇ ગયો છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં અગાઉથી જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. આ અગાઉ ભોપાલ પ્રથમ પાટનગર હતું જ્યાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો હતો. હવે રાજસૃથાનના પાટનગર જયપુરમાં પણ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. ચાલુ મહિનામાં ૧૪મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે ૧૮ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા ન હતાં. ૧૮ દિવસના વિરામ પછી ચોથી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે.ચોથી મેથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ ૩.૨૮રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ ૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર ૩૨.૯૦ રૂપિયા અને એક લિટર ડીઝલ પર ૩૧.૮૦ રૂપિયા એક્સાઇઝ ડયુટી વસુલ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર અલગ અલગ દરે વેટ વસૂલ કરવામાં આવે છે.