જયપ્રકાશ એસોસિએટ્સ પર ૨૭૦૦૦ કરોડનું દેવું
મુંબઇ, કન્સ્ટ્રક્શન કંપની જયપ્રકાશ એસોસિએટ્સે ૨૮ ફેબ્રુઆરીના રોજ તેના ધિરાણકર્તાઓને રૂ. ૨,૮૯૭ કરોડની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થઇ છે. કંપની ઉપર વ્યાજ પેટે રૂ. ૧,૫૪૪ કરોડ અને ધિરાણકર્તાઓના રૂ. ૧,૩૫૩ કરોડના લેણાં બાકી છે.
જેપી ગ્રૂપની મુખ્ય કંપની જયપ્રકાશ એસોસિએટ્સના ધિરાણકર્તાઓમાં આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક, આઇડીબીઆઇ બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે.
કંપની જે પેમેન્ટની ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ છે જેમાં ફંડ-આધારિત કાર્યકારી મૂડી, બિન-ફંડ-આધારિત કાર્યકારી મૂડી, ટર્મ લોન અને એફસીસીબી જેવી જવાબદારીઓ સામેલ છે. કુલ મળીને લગભગ ૩૨ બેંકોએ જયપ્રકાશ એસોસિએટ્સને લોન આપી છે.
કંપની પર લેણદારોનું કુલ રૂ. ૨૭,૦૦૦ કરોડનું દેવું બાકી છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં આઇસીઆઇસીઆઇ બેંક નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અલ્હાબાદ ખંડપીઠ જેપી એસોસિએટ્સ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવાની અરજી દાખલ કરી હતી.
ધિરાણકર્તાઓ નાદારી કોર્ટની બહાર ડેટ રિસ્ટ્રક્ચરિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. સૂત્રોના મતાનુસાર, હવે ધિરાણકર્તાઓ હાલના તબક્કે નાદારીના માર્ગે કંપનીના રિઝોલ્યુશન માટે દબાણ કરી શકે છે.
રિઝર્વ બેન્કે વર્ષ ૨૦૧૭માં બેંકોને મોકલેલ એનપીએ એકાઉન્ટની બીજી યાદીમાં જેપી એસોસિએટ્સનો ઉલ્લેખ હતો. નોંધનીય છે કે, જેપી ગ્રૂપની અન્ય કંપની જેપી ઈન્ફ્રાટેક લિમિટેડ પહેલેથી જ નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે.SSS