જયાં ખુદ ભગવાન જ આપણને દુઃખ દેવા માંગે ત્યાં ફરીયાદ કયાં કરવાની હોય ?
રામ અને લક્ષ્મણ પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં કિનારે ધનુષ્ય બાણ મુકયાં.સ્નાન કર્યા બાદ બહાર આવ્યા અને ધનુષ્ય ઉપાડયું તો તેનો છેડો લોહીવાળો થયો હતો. રામે જાેયું તો એક મોટો દેડકો છેલ્લો શ્વાસ લેતો હતો. રામને આશ્ચર્ય થયું એટલે દેડકાને પૂછયું, ‘અરે દેડકા ! તને સાપ પકડે ત્યારે તું ડ્રાઉં ડ્રાઉં કરીને અવાજ કરે છે. આ વખતે મરણનો ભય હોવા છતાં તું બોલ્યો કેમ નહીં?’
દેડકાએ ધીમે અવાજે કહ્યુંઃ
‘ હે રામ ! મને બચાવો !’ તેવા શબ્દો હું ડ્રાઉ ડ્રાઉમાં તે વખતે બોલતો હતો, એવી આશાએ કે રામજી મને સાપના મુખમાંથી બચાવે. પણ આ વખતે તો ખુદ રામ જ મને મારી રહયા હતા. તેથી શાંત રહ્યો હતો.’ પરમાત્માની મરજી જેવી હોય તેમ વર્તવું. હર્ષશોક કર્યા કરવાનો અર્થ નહીં.
જયાં ખુદ ભગવાન જ આપણને દુઃખ દેવા માંગે ત્યાં ફરીયાદ કયાં કરવાની હોય ? દુઃખ અને સુખ તો મનનાં કારણ છે. બાકી પરમાત્માના ધાર્યા પ્રમાણે જ સર્વ થઈ રહયું છે. સૂર્ય-ચંદ્ર તારા અને પૃથ્વી જેમ નિયમીત ફર્યા કરે છે. જેને જયાં મળવાનું ત્યાં મળ્યા કરે છે, આ જગતમાં પશુ, પક્ષી કે માનવો નિયમીત ફર્યા કરે છે અને આનંદ-શોક પરીતાપ જેને જેટલા પ્રમાણમાં પ્રાપ્ત થવાનો હોય તેમ થયા કરે છે.
આ બધામાં જ્ઞાની માણસ સુખી થઈ શકે છે. દોરી તો પરમાત્માના હાથમાં છે. જેમ નચાવે તેમ નાચવાનું બાકી રહે છે.