જર્જરિત સરકારી હોસ્પિટલનું નવીનીકરણ : વૈકલ્પિક વ્યવસ્થા ન થતા દર્દીઓ ઠંડીમાં ઠુંઠવાતાં સારવાર લેવા મજબુર
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મેઘરજમાં સરકારી હોસ્પિટલ નું હાલ નવીનીકરણ થઈ રહ્યું છે. જોકે આદિવાસી અને પછાત વિસ્તાર એવા મેઘરજમાં ગરીબ લોકો માટે સરકારી દવાખાનુ મોડાસા સિવાય ન હોઇ મેઘરજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ નો ધસારો અત્યારે પણ ચાલુજ છે. દર્દીઓ ને દાખલ કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માં આવી નથી જેથી દર્દીઓને પંટાગણમાં બહાર પર ઈલાજ કરાવવા મજબુર બન્યા છે.
ડીસેમ્બર માસની કડકડતી ઠંડીમાં બિમાર દર્દીઓને મેઘરજ રેફરલ હોસ્પિટલની બહાર આંગણમાં ઇલાજ ચાલી રહ્યો છે. આદિવાસી વિસ્તારના ગરીબ લાચાર અને મજબુર લોકો ઇલાજ આ દવાખાનાનો ઉપયોગ કરે છે ત્યારે ગરીબ દર્દીઓ આવી કડકડતી ઠંડીમાં બહાર રાત ગુજારી રહ્યા છે, ત્યારે તંત્ર ની આંખો કેમ ખુલતી નથી? આરોગ્ય ના નામે લાખો કરોડો નો ધુમાડો કરનારી સરકાર મેઘરજ માં દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
મહિલા સુરક્ષા ની વાતો કરતી સરકાર એ જણાવે કે જો ડિલિવરી ના કેસ આવશે તો એમને પણ આવી જ રીતે બહાર દાખલ કરવા માં આવશે? આ બાબતે ડોક્ટર નો સંપર્ક કરવા નો પ્રયાસ કરાયો તો હાજર સ્ટાફે જણાવ્યું કે ડોક્ટર હાજર નથી.
પછાત વિસ્તાર એવા મેઘરજ તાલુકા ની જનતા બહોળા પ્રમાણ માં આ સરકારી દવાખાના નો ઉપયોગ કરે છે,જેથી તંત્ર એ વિચારવું જોઈકે હોસ્પિટલના નવીનીકરણ પહેલાં દર્દીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માં આવે. આ ઉપરાંત દર્દીઓ માટે શૌચાલય ની પણ વ્યવસ્થા નથી જેથી દર્દીઓ અને સાથે આવેલા પરિજન ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટર તેમજ સ્ટાફ માટે સુવ્યવસ્થિત વિકલ્પો છે પરંતુ ગરીબ દર્દીઓ ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. તંત્ર ની આંખ ખુલે અને ગરીબ દર્દીઓ ને વૈકલ્પિક વ્યવસ્થા ફળવાય એ જરૂરી છે.