જર્મની દેશથી ભારત આવીને ઈરીના મીરાંબાઈ બની ગઈ
ગૌ સેવામાં જીવન સમર્પિત કરનાર સુદેવી દાસીને લોકો ‘હજાર બછડોં કી મા’ તરીકે પણ ઓળખે છે. સુદેવી દાસીને પણ આ નામથી ઓળખાવવું પસંદ છે.
અમદાવાદ: જર્મનીના બર્લિન શહેરમાં જન્મેલી ફ્રેડરિક ઈરીના બ્રુનિંગ ૨૦ વર્ષની વયે જ્યારે ભારત ભ્રમણ માટે નીકળી ત્યારે તેણે સ્વપ્ને પણ નહતું વિચાર્યુ કે તે ભારતની જ થઈને રહી જશે. તેણે ક્યારેય નહતું વિચાર્યું કે તે ઈશ્વરની શોધમાં સન્યાસ લઈ ભારતમાં રહી બીમાર, વિકલાંગ ગાયોની સેવા કરી ગુજરાન ચલાવશે.
આ મહિલા અન્ય કોઈ નહી પણ મથુરામાં રહી રાધાકુંડમાં સુરભિ ગૌસેવા નિકેતન ચલાવનારા પદ્મશ્રી સુદેવી દાસી છે જેમણે કૃષ્ણભક્તિમાં લીન થઈ સન્યાસ જીવન ધારણ કર્યું અને ત્યારબાદ વિકલાંગ, તરછોડાયેલી, બીમાર અને ઈજાગ્રસ્ત ગાયોની સેવા કરવાનું પાવન કાર્ય શરૂ કર્યું. ભારતમાં ઈશ્વરને શોધવા નીકળેલા ઈરીનાની દુનિયા, તેમનો ધર્મ અને નામ પણ બદલાઈ ગયું. ઇરીનામાંથી હવે તેઓ સુદેવી દાસી બની ગયા.
ગૌ સેવામાં જીવન સમર્પિત કરનાર સુદેવી દાસીને લોકો ‘હજાર બછડોં કી મા’ તરીકે પણ ઓળખે છે. સુદેવી દાસીને પણ આ નામથી ઓળખાવવું પસંદ છે. ભગવદગીતા, વેદાંત, ઉપનિષદનું જ્ઞાન પણ ધરાવે છે સુદેવી દાસી. આ રસપ્રદ અને પ્રેરણાદાયી વાત ૧૯૭૮ની છે જ્યારે જર્મનીની ૨૦ વર્ષીય ફ્રેડરિક ઈરીના ભારત ફરવા માટે આવી.
તે સમયે ફ્રેડરિક ઈરીનાના પિતા ભારતમાં જર્મનીના રાજદૂત હતા. ભારતના અનેક રાજ્યોમાં ફરતા-ફરતા ઈરીના કૃષ્ણજન્મભુમિ મથુરા વૃંદાવન પહોંચ્યા. ત્યાં તેમણે ઈજાગ્રસ્ત વાછરડાને રસ્તાની બાજુમાં કચરાની જેમ નાખી દીધેલી સ્થિતિમાં જાેયા.
વાછરડાની આવી સ્થિતી જાેતા તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે વાછરડાની યોગ્ય સારવાર શરૂ કરી. કૃષ્ણ ભૂમિ મથુરામાં ઈરીનાને કૃષ્ણભક્તિની તો એવી ધુન લાગી કે તેમને પ્રભુ ભક્તિ અને ગાયોની સેવા કરવી જ જીવનનો ધ્યેય લાગ્યો અને આ રીતે ઇરિના સન્યાસ ધારણ કરી સુદેવી દાસી બન્યા.
ભગવદગીતામાં જીવનનો સાર મળશે તેવી આશા સાથે ગીતાનું વાંચન શરૂ કર્યું. એક ગાયના લાલન-પાલનથી શરૂ કરી ગૌસેવાની સફર જે આજદિન સુધી અવિરત ચાલી રહી છે.
સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના બાળકોને સારુ શિક્ષણ આપવા પ્રયાસ કરતા રહે છે. તેવી જ રીતે સુદેવી દાસીના માતા-પિતા પણ ઈચ્છતા હતા કે સુદેવી દાસી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે માતા-પિતાને સુદેવી દાસીના ર્નિણય વિશે ખબર પડી ત્યારે તેમને ખુબ જ આઘાત લાગ્યો.
સુદેવી દાસી તેમના ર્નિણયમાં અડીખમ હતા અને તેમની તો એક માત્ર ઈચ્છા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની હતી. ઈશ્વરના દર્શન કરવા માંગતા સુદેવી દાસીને મથુરામાં આવીને જ્ઞાન થયું કે ભારત એકમાત્ર ભુમિ છે જ્યાં તેમને ઈશ્વરીય જ્ઞાન મળશે. ભારતના વિવિધ શાસ્ત્રો અને ભગવદગીતમાં તેમને અતુટ વિશ્વાસ જાગ્યો.
આજના સમયમાં લોકો રૂપિયા, ઘર, ગાડીની પાછળ ભાગતા હોય છે. પરંતુ ભગવાનને જાણવાનો, તેમને મળવાનો અને ખુદને ઓળખવાની ઈચ્છા ભાગ્યે જ લોકોમાં જાેવા મળે છે. જે જ્ઞાન મેળવવા માંગે છે તે જ્ઞાન ઋષિમુનિઓના તપથી પાવન થયેલી ભારત દેશની ભૂમિમાં જ મળી શકે છે
તે વાત સુદેવી દાસી સમજી ગયા હતા. આ રીતે આધુનિક યુગના મીરાબાઈ બની કૃષ્ણ ભક્તિ કરી ગૌ સેવાના ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. મથુરામાં રહી સુદેવી દાસી ૩ એકર જમીનને ભાડે રાખી ૨ હજારથી પણ વધુ ગાયોનું ભરણ-પોષણ કરી રહી છે. ગાયોની નિસ્વાર્થ સેવા માટે વર્ષ ૨૦૧૯માં સુદેવી દાસીને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરાયા. સુદેવી દાસીની ગૌશાળામાં ૯ લોકો ગાયોની દેખરેખ સહિત ઈલાજનું કામ પણ કરે છે. ગૌશાળા કેટલીક પરંપરા એવી છે જે લોકોને માનવતાનો પાઠ શીખવે છે. જેમકે ગોશાળામાંથી દુધ ક્યારેય વેચવામાં નથી
આવતું પરંતુ જ્યારે કોઈ ગાય મૃત્યુ પામે તો તેના વાછરડા માટે બહારથી દુધની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે ગર્ભવતી ગાય વાછરડાને જન્મ આપે ત્યારે ૫ દિવસ પછી તે ગાયએ આપેલા દુધની ખીર બનાવવામાં આવે છે અને પ્રથમ ભોગ ગાયની સારસંભાળ રાખનાર વ્યક્તિને ધરવામાં આવે છે. સુદેવી દાસીનું માનવું છે કે, મનુષ્ય જેમ ખાવા-પીવા માટે મહેનત કરે છે અને કમાય છે તેવી જ રીતે પશુઓ પણ ગુજરાન ચલાવવા મહેનત કરે જ છે. તો પછી મનુષ્ય અને જાનવરોમાં અતંર શું રહી જાય? સાચો માનવી એ જ છે જે અન્યની પીડા સમજે અને તેમની તકલીફને દુર કરે, જરૂરિયાતમંદની સહાય કરવી તે જ દરેક મનુષ્યનું કર્તવ્ય છે.