જર્મની: હનાઉમાં બે હુક્કા બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 8ના મોત અને 5 ઘાયલ
હનાઉ: જર્મનીના હનાઉ શહેરમાં મોડી રાતે બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હનાઉના શિશા બારમાં બે અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. પોલીસ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના એટલી ભયાનક હતી કે પોલીસે હજુ પણ મૃતકોની સંખ્યા જાહેર કરી નથી. જ્યારે બિલ્ડ અખબારના રિપોર્ટ મુજબ શિશા બારમાં થયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. એએફપીના અહેવાલ મુજબ પોલીસે કહ્યું કે પહેલો હુમલો હનાઉ શહેરના મીડનાઈટ બાર પર થયો જ્યારે બીજો હુમલો અરેના બાર પર થયો હતો.
નોંધનીય છે કે લોકલ ન્યૂઝપેપર હેસેનશાઉના જણાવ્યાં મુજબ રાતે બે અજાણ્યા હુમલાખોરોએ હનાઉના શિશા બાર્સમાં હાજર લોકો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતાં. ફાયરિંગ કરનારા કોણ હતાં તેની જાણકારી હજુ મળી નથી. પોલીસ હજુ પણ આ હુમલાખોરોની શોધમાં લાગેલી છે.