Western Times News

Gujarati News

જલવિહારના પેરામીટર ન જળવાતા કોન્ટ્રાક્ટરનાં પેમેન્ટ રોકવા આદેશ

Files Photo

મ્યુનિસિપલ સીટી ઈજનેરનું મેગા કૌભાંડ : મ્યુનિસિપલ લેબોરેટરીના રીપોર્ટમાં પણ ચેડા થતા હોવાની ચર્ચાઃ સીટી ઈજનેર સાચા રીપોર્ટ જાહેર કરે એવી વ્યાપક માંગણીઃ બજેટ સત્રમાં પણ કોંગી કોર્પાેરેટરને ખોટા રીપોર્ટ આપ્યાં

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચદ્રભાગાના નાળામાં આવતા ગંદા પાણીને ટ્રીટ કરવા માટે ‘જલવિહાર’ એસટીપી પ્લાન્ટ બનાવ્યો છે. સદ્દર સ્થળે ૧૦૦ એમએલડી એસટીપી પ્લાન્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી પરંતુ તેમાં ઘટાડો કરીને ૬૦ એમએલડીનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.૮૪ કરોડના ખર્ચથી તૈયાર થયેલ એલટીપી પ્લાન્ટ નિષ્ફળ સાબિત થયો છે તથા તેના માટે જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તે જળવાતા નથી. પ્લાન્ટના પેરામીટર જળવાતા ન હોવા છતાં ઓપરેશન- મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટરને મેમેન્ટ આપવા માટે સીટી ઈજનેરે ફાઈલ ચલાવી હતી. તથા તેમની અને કોન્ટ્રાક્ટરની નિષ્ફળતા છુપાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીના પરિણામ જાહેર કરવામાં આવતા નથી. તથા બજેટ સત્રમાં પણ જલવિહારનાં ખોટા રીપોર્ટ આપવામાં આવ્યા છે.


જલવિહારનાં કોન્ટ્રાક્ટરને બચાવવાં સીટી ઈજનેર ખોટા રીપોર્ટ અને પત્ર વ્યવહાર કરી રહ્યાં છે. આ બાબત મ્યુનિ.કમિશનરનાં ધ્યાન પર આવતાં તેમણે કોન્ટ્રાક્ટરનાં પેમેન્ટ રોકવા આદેશ કર્યાે હોવાની વિગતો બહાર આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચદ્રભાગા નાળાને સ્વચ્છ રાખવા માટે રૂ.૮૩.૩૩ કરોડના ખર્ચથી એસટીપી પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ ‘રાજકમલ’ નામની સંસ્થાને આપ્યો હતો.

નિયત સમયમર્યાદા કરતા કામ પૂર્ણ કરવામાં દસ મહિનાનો વિલંબ થયો હતો. તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી. જલવિહારનું કામ પૂર્ણ થયા બાદ ‘રાજકમલ’ ને જ દસ વર્ષ માટે પ્રતિ વર્ષ રૂ.એક કરોડના ભાવથી ઓપરેશન-મેઈન્ટેનન્સનું કામ સોંપવામાં આવ્યુ છે.

જલવિહાર પ્લાન્ટનો ટ્રાયલ રન ગત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગયો છે. તથા એપ્રિલ મહિનાથી તે રેગ્યુલર ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ ટેન્ડર શરતમાં બીઓડી, સીઓડી, એસએસ તથા ફીકલ ના જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે. તે જળવાતા નથી. તે બાબતને સીટી ઈજનેર નરેન્દ્રભાઈ મોદી છુપાવતાં રહ્યા છે. જલવિહારનાં ટ્રાયલ રનમાં પણ નેગેટીવ રિપોર્ટ જાહેર હોવા છતાં કોન્ટ્રાક્ટરને કમિશનીંગ શરૂ કરાવવા માટે બહારની લેબમાં રિપોર્ટ “સેટ” કરવામાં આવ્યા હતાં. જ્યારે મ્યુનિસિપલ લેબોરેટરીમાં જલવિહારનું પરીક્ષણ કરવાનું ટાળી રહ્યા છે.

અથવા તેના રીપોર્ટ છુપાવી રહ્યા છે. જલવિહાર પ્લાન્ટ પાસે નદીના પાણીમાં અત્યંત ડહોળાશ આવી રહી છે. મ્યુનિ.કમિશનરે આ અંગે સીટી ઈજનેર પાસે ખુલાસો માંગ્યો છે. તથા પરીક્ષણનાં રિપોર્ટ પણ મંગાવ્યાં હતા. ત્યારે પરીક્ષણનાં રિપોર્ટ આપવાનાં બદલે સીટી ઈજનેરે સમગ્ર દોષનો ટોપલો મેટ્રોના શિરે નાંખવા પ્રયાસ કર્યા હતાં. રાણીપ પાસે મેટ્રોની ચાલી રહેલી કામગીરીનાં કારણે નદીમાં ડહોળાશ આવી રહ્યું હોવાનું લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ કમિશનરે પરીક્ષણ રીપોર્ટનો આગ્રહ રાખતાં સાચી્ર હકીકત બહાર આવી હતી.

જેના કારણે મ્યુનિ.કમિશનરે ઓપરેશન મેન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન કરવા આદેશ કર્યાે છે. મ્યુનિ.સીટી ઈજનેર આ બાબત પર ઢાકપીછોડો કરવા પ્રયાસ કરી રહ્યાં છે. તેથી કમિશનરે આદેશ કરેલ ફાઈલ છુપાવીને રાખવામાં આવી છે. તથા કોન્ટ્રાક્ટરને બચાવવા માટે નવા પેંતરા કરી રહ્યાં હોવાની પણ ચર્ચા પણ ચાલી રહી છે. જલવિહારના પરિણામ માટે સીટી ઈજનેર જીપીસીબીના રીપોર્ટની જ દુહાઈ આપી રહ્યા છે. જીપીસીબીના રીપોર્ટમાં સેટીગ થયા હોવાના સીધા આક્ષેપ સીટી ઈજનેર અને કોન્ટ્રાક્ટર સામે થઈ રહ્યા છે.

તેમ છતાં જીપીસીબીના રીઝલ્ટમા પણ ફીકલ, બીઓડી વગેરેના પેરામીટર જળવાતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર જલવિહારના ટેન્ડરમાં બીઓડી-૧૦ , સીઓડી-પ૦, ફીકલ ૧૦૦ ના પેરામીટરની શરત રાખવામાં આવી હતી. જાન્યુઆરી ર૦૧૯માં બીઓડી, ૧૧૭, સીઓડી-૩ર૯ તથા ફિકલ ૩પ૦ આવ્યા હતા. જે નિયત પેરામીટર કરતા અનેકગણા વધારે છે.

 

જલવિહારના ટ્રાયલ રનમાં પેરામીટર મુજબ પરીણામ મળતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી સીટી ઈજનેરે કરી નહોતી. જલવિહારમાં સૌથી મહ¥વતા કહી શકાય એવા ટોટલ સસ્ટેન્ડેડ સોલીડ (ટીએસએસ) માટે ‘દસ’ પેરામીટર નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં બીઓડીની માત્ર ૧૧, સીઓડી-૪પ, ફીકલ ૧૪૦ તથા ટીએસએસ ૪૦ આવ્યા હતા.

જુલાઈમાં બીઓડી -૦પ, સીઓડી-ર૩, ફીકલ- ૩પ૦ તથા ટીએસએસ-૦૮ આવ્યા હતા. નવેમ્બર મહિનામાં બીઓડી-૧૧, સીઓડી-૪૩, ફિકલ-૬૩૦ તથા ટીએસએસ ૧૪ આવ્યા છે. આમ, લગભગ તમામ રીપોર્ટમાં ફીકલ તથા ટીએસએસના પેરામીટર જળવાયા નથી.
કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના નવા પેરામીટર મુજબ સીઓડીની માત્રા ૩૦ હોવી જરૂરી છે. જ્યારે જલવિહારના ટેન્ડરમાં પ૦ની શરત રાખવામાં આવી છે.

તથા ડીઝાઈન પણ તે મુજબ જ કરવામાં આવી છે. તેથી રૂ.૮૪ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા પ્લાન્ટને પણ અપગ્રેડ કરવાની ફરજ પડી શકે છે. સુત્રોએ જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં પરિક્ષણ કરવાનું સીટી ઈજનેર ટાળી રહ્યા છે તેમ છતાં નાછૂટકે જે પરિક્ષણ થાય છે તેમાં પણ ૩૦ થી પ૦ ટકા જેટલો તફાવત આવે છે. આમ, જલવિહાર એસટીપીમાં પેરામીટર જળવાતા ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાના બદલે તેને પેમેન્ટ આપવાની ફાઈલ સીટી ઈજનેરે ચલાવી હતી. મ્યુનિસિપલ લેબોરેટરીના સાચા રીપોર્ટ કમિશ્નર સમક્ષ પણ રજુ કરવામાં આવતા નથી. તેમાં પણ ચેડા થઈ રહ્યા છે તથા જીપીસીબીમાં સેટીંગ થઈ રહ્યા છે

તેથી ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા સુરેન્દ્ર બક્ષીના જણાવ્યા અનુસાર, બજેટ સત્રમાં જલવિહારનાં પરીક્ષણનાં રીપોર્ટ માંગવામા આવ્યા હતાં. જેના જવાબમાં ખૂબજ ગંભીર ગેરરીતી તથા ચેડાં કર્યા હોવાનું માલુમ પડ્યું છે. મ્યુનિ.લેબોરેટરીમાં કરવામાં આવેલ પરીક્ષણનાં રીપોર્ટમાં જે દિવસે અનફીટ રીપોર્ટ આવ્યા હોય તેના સીરીયલન નંબર અને તારીખો ગાયબ કરવામાં આવ્યાં છે. તથા સીરીયલ નંબરમાં પણ કેટલાંક નંબર ગાયબ કરવામાં આવ્યા છે.

જલવિહાર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ કોર્પાેરેશનની મિલકત છે. પ્રજાના રૂપિયાથી પ્રજાના સ્વાસ્થ્ય માટે તૈયાર કરવામાં આવેલ પ્લાન્ટ છે. તેમ છતાં સીટી ઈજનેર અને મળતિયાઓ તેમનાં સ્વાર્થ માટે સદર ટ્રીટમેન્ટ પ્લાન્ટને અંગત મિલ્કત માનતાં હોય તેમ લાગી રહ્યું છે. તેથી આ બાબતની વિજીલન્સ તપાસ કરવામાં આવે તેમજ સાચા રીપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.