જલ જીવન મિશન અંતર્ગત ૩૪૧૧ કરોડની ફાળવણી
ગાંધીનગર, દેશના પ્રત્યેક ઘરને નળથી જળ પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની ભારત સરકારના જળ મંત્રાલયની નેશનલ જલ જીવન મિશન હેઠળની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ-૨૦૨૧-૨૨ માટે ગુજરાત સરકારને રૂ. ૩૪૧૦.૬૧ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ પૈકીની રૂ. ૮૫૨.૬૫ કરોડની રકમ રાજ્ય સરકારને આપી પણ દેવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૯-૨૦ માટે આ યોજના અંતર્ગત માત્ર રૂ. ૩૯૦.૩૧ કરોડની ફાળવણી થઇ હતી, જે વર્ષ-૨૦૨૦-૨૧માં વધારીને રૂ.૮૮૩.૦૮ કરોડ જેટલી કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય જળસંસાધન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહે ગુજરાત માટે ચાલુ વર્ષે આ અભિયાન અંતર્ગતની રકમ આશરે ચાર ગણી વધારી દીધી છે.
જલ જીવન મિશન હર ઘર જલ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-૨૦૨૪ સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો. વર્ષ-૨૦૨૦-૨૧માં ગુજરાતના ૧૦.૯૪ લાખ ગ્રામીણ ઘરો સુધી નળથી જળ પહોંચતું કરી દેવામાં આવ્યું છે.
જયારે વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં વધુ ૧૦ લાખ ઘરો સુધી નળ મારફતે શુદ્ધ જળ પહોંચાડવાની યોજના છે. રાજ્યમાં ૯૨.૨૨ લાખ ગ્રામીણ આવાસો છે, જે પૈકીના ૭૭.૨૧ લાખ (આશરે ૮૩%) ઘરો સુધી પાઇપથી પાણી પહોંચતું થાય છે. ગત વર્ષે, આ યોજનાની સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય જળસંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળ જીવન મિશનને વેગવંતુ બનાવીને રાષ્ટ્રીય લક્ષ્યાંક પૂર્વે વર્ષ-૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં નળથી જળ પહોંચાડી દેવાની ખાતરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ” મંત્ર ઉપર ભાર મૂકે છે. આ મંત્રને સાકારિત કરવા માટે જલ જીવન મિશન ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે અંતર્ગત દેશના પ્રત્યેક ઘર સુધી શુદ્ધ પેયજળ પહોંચાડવાની નેમ છે. ગુજરાતમાં આશરે ૧૮,૦૦૦ ગામડાઓ પૈકી ૬૭૦૦ ગામો એવા છે જ્યાં ૧૦૦% ઘરોમાં નળથી જળ પહોંચી ચૂક્યું છે.