Western Times News

Gujarati News

જળસંચય માટેના કરેલા લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નથી,અને નાના-મોટા ચેકડેમના દરવાજા પણ બંધ નહીં કરાતાં હજારો લીટર પાણી વહી રહ્યું છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચાઓ કરીને જળસંકટ ટાળવા અને જળનો સંગ્રહ કરવા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.નેત્રંગ તાલુકાભરની નદી-નાળા ઉપર પાણી-પુરવઠાની યોજના સહિત વિવિધ યોજનાઓ માંથી નાના-મોટા ચેકડેમનું ભૂતકાળના સમયમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં ચોમાસામાંની સિઝનમાં વરસાદનું પાણી ચેકડેમમાં સંગ્રહ થાય અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુ વિસ્તારમાં આવેલા બોર,મોટર અને કુવાના પાણીના સ્તરમાં વધારો થાય.

જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે અને પશુ-પક્ષી સહિત આમ પ્રજાને પણ જીવનવપરાશ અને ઉનાળાની સિઝનમાં આસાનીથી શુધ્ધ પાણી પીવા માટે મળી રહે પરંતુ નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે.

જેમાં નદી – નાળા ઉપર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અને આયોજન વગર કેટલાક ચેકડેમો બનાવવામાં આવ્યા હતા.જેમાં ધોધમાર વરસાદના પગલે ચેકડેમ સહિત આજુબાજુની માટીનું ધોવાણ થઈ જતાં ચેકડેમના નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.કેટલાક ચેકડેમમાં ત્રિરાડ અને જર્જરિત થવા છતાં સમાંયાતરે પ્રાથમિક સમારકામ પણ કરવામાં નહીં આવતાં વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે.પરંતુ વહીવટીતંત્ર ઘોર નિદ્રામાં જણાઈ રહ્યું છે પછી જળસંચય કેવી રીતે થાય તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.