જવાનોની હત્યા બાદ મિઝોરમ પોલીસ જશ્ન મનાવી રહી હતી
નવીદિલ્હી: અસમ અને મિઝોરમ વચ્ચે થયેલો સરહદ વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને આ હિંસામાં અસમ પોલીસના ૬ જવાનોના મોત થયા. આ ઉપરાંત એક પોલીસ અધિક્ષક સહિત ૬૦ અન્ય લોકો ઘાયલ થયા. બંને રાજ્ય આ હિંસા માટે એકબીજાની પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરી રહ્યા છે.
આ બધા વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમારા જવાનોની હત્યા કર્યા બાદ મિઝોરમ પોલીસ અને ગુંડાઓ જશ્ન મનાવી રહ્યા છે. આ માટે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જવાનોને હાથ મિલાવતા અને એકબીજાને શુભેચ્છા પાઠવતા દેખાડવામાં આવ્યા છે. સરમાએ આ ઘટનાને દુખદ અને ભયાનક ગણાવી છે.
આ અગાઉ અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે ઘર્ષણમાં છ પોલીસકર્મીઓના મોત થયા અને ૫૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. સરહદ વિવાદ આમ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દખલ બાદ શાંત થયો છે.
તેમણે અસમના સીએમ હિમંત બિસ્વા સરમા અને મિઝોરમના મુખ્યમંત્રી જાેરમથાંગા સાથે વાત કરી. આ સાથે જ બંને નેતાઓને વિવાદિત સરહદ પર શાંતિ સુનિશ્ચિતક રવાની અને સમાધાન કાઢવાની પણ અપીલ કરી છે.
અમિતશાહે પૂર્વોત્તરના આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીતમાં સરહદ વિવાદોને ઉકેલવાની જરૂરિયાત પર વાત કરી હતી જેના બે દિવસ બાદ આ ઘટના સામે આવી છે. જેને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું કે આ ખુબ ચિંતાનો વિષય છે કે બંને રાજ્યોના મુખ્યમંત્રી ટિ્વટર પર ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા હતા, બીજી બાજુ તણાવ વધી રહ્યો હતો.
કોંગ્રેસે પૂછ્યું કે રવિવારે ગૃહમંત્રીએ આંતરરાજ્ય સરહદ વિવાદના મુદ્દા પર ચર્ચા કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે એક બેઠકની અધ્યક્ષતા કરી. તેમની વચ્ચે શું થયું? સરહદ વિવાદને ઓછો કરવા માટે શું નીતિઓ અપનાવવામાં આવી?