જવાનોને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું ભથ્થું હજુ ચૂકવાયું નથી
નવી દિલ્હી, ટાઢ, હિમવર્ષા, જાનનું જોખમ અને બીજા અનેક અવરોધો વચ્ચે બારેમાસ આંખમાં તેલ આંજીને સીમાડા સાચવતા લશ્કરના જવાનોને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું ભથ્થું આપવાના પૈસા કેન્દ્ર સરકાર પાસે નથી એવી ચોંકાવનારી માહિતી એક દૈનિકે પ્રગટ કરી હતી. અંગ્રેજી, અને બંગાળી એમ બે ભાષામાં અડધો ડઝન આવૃત્તિ પ્રગટ કરતા આ દૈનિક જૂથે એક અહેવાલમાં જણાવ્યું હતું કે મંદીની અસર સીમાડા સાચવતા જવાનોને પણ થઇ જણાય છે. સીમાડા સાચવતા સશસ્ત્ર દળના ૯૦ હજાર જવાનોને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું ભથ્થું હજુ ચૂકવાયું નથી. જાન્યુઆરી માસ તો પૂરો થવા આવ્યો.
આ જવાનોને ચાઇલ્ડ એજ્યુકેશન ભથ્થું હજુ મળ્યું નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે જવાનોને ચૂકવવા માટે અમારી પાસે પૈસા સિલકમાં નથી. તમે તત્કાળ મદદ મોકલો.
છેલ્લા ચાર મહિનામાં આ બીજીવાર સીમાડા સાચવતા જવાનોના ભથ્થાને અટકાવી દેવામાં આવ્યું હતું એમ પણ આ રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષના સપ્ટેંબરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ત્રણ લાખ જવાનોના દરેકના ૩૬૦૦ના હિસાબે રેશન ભથ્થાને અટકાવી દેવામાં આવ્યું હતું. ગૃહ મંત્ર્યાલયને ત્રણ વાર રિમાઇન્ડર મોકલવામાં આવી હતી કે અમારી પાસે પૂરતું ફંડ નથી, તત્કાળ મદદ મોકલો. ગૃહ ખાતાએ એ વિનંતીની સરિયામ ઉપેક્ષા કરી હતી.
જો કે મિડિયામાં આ વાતનો ઉલ્લેખ થતાં ઓક્ટોબરમાં સરકારે જરૂરી ભથ્થું મોકલ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ૯૪,૨૬૧ જવાનો છે. આ જવાનો નેપાળ અને ભુતાન સાથે જોડાયેલી ૨૪૫૬૦ કિલોમીટરની સરહદો સાચવે છે.