જવાહરલાલ નેહરુએ પ્રથમ વાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો
નવી દિલ્હી: દેશભરમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત સ્વતંત્ર થયું હતું. બ્રિટનના સકંજામાંથી મુક્ત થયા બાદ દર વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા બાદ જવાહરલાલ નેહરુએ દિલ્હીમાં લાલ કિલ્લાના લાહોર ગેટ ઉપર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારબાદથી દરેક સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે અને ભાષણ યોજવામાં આવે છે. દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમો, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય લોકો પોતાના ઘર, વાહનો ઉપર પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને આની ઉજવણી કરે છે.
રાષ્ટ્રી ભક્તિના ગીતો પણ યોજવામાં આવે છે. સ્વતંત્રતા અને દેશના ભાગલા પર આધારીત જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે. કેટલાક અલગતાવાદી સંગઠનો આ દિવસે કાર્યક્રમનો બહિષ્કાર કરે છે. સ્વતંત્રતા દિવસના દિવસે મુખ્ય કાર્યક્રમો રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં યોજાય છે. જેમાં ઐતિહાસિક પરેડ, સ્કુલી બાળકોના કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમો યોજાય છે.સુરક્ષાને લઇને રિહર્સલની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. હવે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.