જવેલર્સે ચાંદી ખરીદવા આપેલા રૂપિયા લઈ નોકર ફરાર
ખાડીયા વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીની ઘટનાઓ વધવા લાગી છે ખાસ કરીને ઉધારમાં માલ લીધા બાદ નાણાંની ચુકવણી નહી કરવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે જેના પરિણામે ખાસ કરીને કાપડ મહાજનના વહેપારીઓએ ઉધારમાં કાપડ આપવાનું બંધ કરી દીધું છે અને જુની ઉઘરાણી શરૂ કરી છે આ પરિસ્થિતિમાં શહેરના ખાડીયા વિસ્તારમાં છેતરપીંડીની ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં માલિકે રૂપિયા આપી નોકરને ચાંદી ખરીદવા મોકલ્યો હતો પરંતુ નોકર રોકડ રૂપિયા લઈ ફરાર થઈ જતા તેના વિરૂધ્ધ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરી નોકરની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે સોના ચાંદીમાં આવેલી તેજીના પગલે તેમાં કારોબાર કરોડો રૂપિયાનો થવા લાગ્યો છે ખાસ કરીને બુલિયન માર્કેટમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ થઈ રહી છે મોટા વહેપારીઓ સોના અને ચાંદીની લંગડીઓ ખરીદી રહયા છે અને હજુ પણ ભાવ વધવાની શકયતા વચ્ચે ખરીદી બમણી થઈ ગઈ છે. શહેરના માણેકચોક સહિતના વિસ્તારોમાં જાણીતા જવેલર્સોની દુકાનો આવેલી છે અને ત્યાં વહેપારીઓની ભારે ભીડ જાવા મળતી હોય છે
શહેરના થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે આવેલા તુલીપ્ત બંગલોમાં રહેતા મનીષભાઈ પોપટભાઈ પટેલની રાયપુર શામળાની પોળ હવેલીની પોળ સામે એ.પી. જવેલર્સ નામની દુકાન આવેલી છે અને આ દુકાનમાં કેટલાક કારીગરો તથા કર્મચારીઓ કામ કરી રહયા છે તેમની દુકાનમાં કામ કરતા અને સુરધારા સર્કલની બાજુમાં જ અંજતા ફલેટમાં રહેતા સંજય ચાવડા નામનો કર્મચારી દુકાનમાં હાજર હતો
ત્યારે મનીષભાઈએ તેને રોકડા રૂપિયા ૧.૯૦ લાખ આપ્યા હતા. મનીષભાઈએ માણેકચોક એમ.જી. હવેલી રોડ ખાતે આવેલી ભારત બુલીયન દુકાનના માલિક સાથે વાતચીત કર્યાં પ્રમાણે ચાંદી ખરીદવા માટે સંજય ચાવડાને રોકડ રૂપિયા લઈ માણેકચોક મોકલ્યો હતો ઘણો સમય થવા છતાં સંજય ચાવડા પરત દુકાને આવ્યો ન હતો જેના પરિણામે તેની તપાસ શરૂ કરવામાં આવી હતી
દરમિયાનમાં ભારતીય બુલીયન શો રૂમમા તપાસ કરતા સંજય ચાવડા ત્યાં પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું જેના પરિણામે સંજય ચાવડા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો તેવુ માની મનીષભાઈ પટેલે આ અંગે તાત્કાલિક ખાડીયા પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ નોંધાવી હતી.
નોકર રૂ.૧.૯૦ લાખ રોકડા લઈ ફરાર થઈ જતા ખાડીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક તેને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે આ ઘટનાની સમગ્ર તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર નકુમ ચલાવી રહયા છે.