જશોદાનગરમાંથી ૮ પિસ્તોલ અને ૬૨ કારતુસ સાથે બે રીઢા ગુનેગાર ઝડપાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, ખુન લૂંટ તથા મારામારી જેવાં ગંભીર ગુનાઓમાં સામેલ મોહમંદ ટેમ્પો નામના ગુંડાને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે આઠ પિસ્તોલ તથા ૬૨ કાર્ટીઝો સાથે ઝડપી લીધો છે. ટેમ્પો અને તેનો સાગરીત બંને કારમાં બેસી હાથીજણ સર્કલથી નારોલ તરફ આવતાં હતાં. ત્યારે બાતમીને આધારે ઝડપાઈ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, પીઆઈ પીબી દેસાઈની ટીમનાં પીએસઆઈ આઈએસ રબારી તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ સમય મહમંદહુસેન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઈ શેખ (૫૦) બહેરામપુરા તેનાં સાગરીત સરફરાજ ઉર્ફે શફી અમદાવાદી મોહમંદભાઈ પટેલ (૩૯) સુરત સાથે ગેરકાયદેસર હથિયારો લઈને હાથીજણ સર્કલ તરફથી જશોદાનગર થઈને નારોલ જવાનો છે.
જેને પગલે પીએસઆઈ રબારીની ટીમ વોચમાં ગોઠવાઈ હતી અને જશોદાનગર આવતાં ટેમ્પોને સફેદ રંગની કારમાં તેનાં સાથી શફી સાથે ઝડપી લીધો હતો. તપાસ કરતાં તેની પાસેથી ૩ પિસ્તોલ તથા ૨૨ કાર્ટીઝ, એક મેગેઝીન મળી આવી હતી.
જેથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફીસે લાવીને વધુ પૂછપરછ કરતાં મહમંદ ટેમ્પાએ ધોળકા ગંજ સોહદાપીર બાવાની દરગાહ ખાતે વધુ ૨ પિસ્તોલ, ૨૦ કાર્ટીઝ તથા ૧ મેગેઝીન સંતાડી રાખ્યાનું ખુલ્યું હતું. જ્યારે શફીએ સુરતમાં ગલી મંડી પાસે આવેલી અસરફપીર બાવાની દરગાહમાં ૩ પિસ્તોલ, ૨૦ કાર્ટીઝ તથા ૧ મેગેઝીન છુપાવી હોવાનું કહ્યું હતું, ક્રાઈમ બ્રાંચની ટીમોએ બંને સ્થળેથી આ હથિયારો કબ્જે કર્યા હતા અને હથિયાર આપનાર વસીમ ઉર્ફે કાલુભાઈ કુરેશી (કોટા, રાજસ્થાન)નું શખ્સનું પણ ફરીયાદમાં નામ દાખલ કરવામાં આવ્યું છે.
દુશ્મનોથી બચવા હથિયાર રાખતો હતો
ટેમ્પો સામે વર્ષ ૧૯૮૬થી હાલ સુધીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લુંટ, ચોરી, અપહરણ તથા મારામારી જેવાં કુલ ૨૯ ગુના નોંધાયેલા છે આ બધા ગુનાને કારણે તેને ઘણાં લોકો સાથે દુશ્મનાવટ પણ થઈ હતી. ઉપરાંત સુરતની અશરફપીર બાવાની દરગાહનો કેસ ટ્રસ્ટીઓ જીતી જતાં દરગાહની જગ્યા કોઈ બિલ્ડર ખરીદે તો તેને પણ ડરાવવા માટે ટેમ્પોએ પિસ્તોલો ખરીદી હતી.
૨૯ ગુનામાં સામેલ
વર્ષ ૧૯૮૬માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેનાં વિરૂદ્ધ ચોરીનો પહેલો ગુનો નોંધાયો હતો. બાદમાં ટેમ્પો હત્યા, લુંટ સહિતનાં અસંખ્ય ગુનાઓમાં સંડોવાયો હતો. ત્રણ મહિના અગાઉ ઈન્દોર શહેરની ક્રાઈમ બ્રાંચ દ્વારા ૭૦ કિલો એમડી ડ્રગ્સ પકડાયું હતું. જેમા આરોપીઓએ ટેમ્પોને પણ ડ્રગ વેચ્યાનું કબુલ્યું હતું. જ્યારે શફી પણ એસઓજી સુરતનાં હાથે ડ્રગ કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે અને અન્ય બે ગુના પણ નોંધાયેલા છે.
ટેમ્પોએ ફિલ્મોમાં કામ કરેલું છે
ટેમ્પો ૯૦નાં દાયકામાં મુંબઈ ગયો હતો. જ્યાં ફિલ્મ સીટીમાં ટેમ્પોમાં સામાન ફેરવવાનું કામ કરતાં તેનું નામ મહમંદ ટેમ્પો પડ્યું. બાદમાં તેણે બેક સ્ટેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોઈ કારણોસર મારામારી કર્યા બાદ ગુજરાત આવીને ટોળકી બનાવી તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો.