જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવાર પિંખાયો
રાજકોટ, જસદણમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. જસદણમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રએ મોતને વહાલું કરી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે આપઘાત પહેલા તેમના ભત્રીજાને ફોનમાં કહ્યું હતું કે, ‘આપણા છેલ્લા રામ રામ છે’. ત્યારબાદ દવા પી મોતને વહાલું કરી લીધું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણમાં રહેતા તેમજ હેર સલૂનનો વ્યવસાય કરતા પિતા-પુત્રે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસની પૂછપરછમાં મૃતકને પરિવારજનો દ્વારા આપઘાત પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા મૃતકના મોટા ભાઈના દીકરાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા તેમજ કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો વ્યવસાય કરતા રમેશભાઇ અને તેમના પુત્ર સતીશે ઝેરી દવા ગટગટાવી લીધી છે. રમેશભાઈએ તેમના ભત્રીજા નીરવને ફોન કરી જણાવ્યું હતું કે, આપણા આ છેલ્લા રામ રામ છે. ત્યારબાદ ફોન કટ થઇ જતાં નિરવ અને તેમના મોટાભાઈ બંને તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ત્યારબાદ પિતા પુત્રને ૧૦૮ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, જસદણ ખાતે સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે કે પુત્ર સતીશની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાેકે ત્યાં સતીશનું પણ મોત નીપજ્યું હતું. આમ ગણતરીના જ કલાકોમાં, પરિવારે પોતાના બે સભ્યોને ખોવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં પિતા પુત્રના આપઘાત મામલે કયા કયા વ્યાજખોરો જવાબદાર નીકળે છે તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.SSS