જાડેજાને અંગ્રેજી ભાષા આવડતી નથી; તેને બિટ્સ એન્ડ પીસનો સાચો અર્થ પણ નથી ખબર : માંજરેકર
મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અવારનવાર ઈન્ડિયન ટીમના ખેલાડીઓ અંગે નિવેદનો આપીને હેડલાઇન્સમાં રહેતો હોય છે. માંજરેકરે કેટલાક સમય પહેલા જ ઓલટાઈમ બેસ્ટ ક્રિકેટરની યાદી જાહેર કરી હતી, જેમાં તેણે સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સામેલ કર્યો નહોતો. માંજરેકરે કહ્યું હતું કે અશ્વિન સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવી શક્યો નથી.
આ દરમિયાન માંજરેકરનું એક ચેટ લીક થયું છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની મજાક ઉડાવી રહ્યો છે. માંજરેકરનું આ ચેટ સોશિયલ મીડિયામાં ગણતરીના કલાકોમાં વાઈરલ થયું હતું. ટિ્વટરમાં સૂર્યનારાયણ નામના એક યુઝરે આ ચેટને પોતાના અંગત ટિ્વટર અકાઉન્ટમાં પોસ્ટ કર્યું હતું.
યુઝરે લખ્યું હતું કે હું આ વ્યક્તિગત ચેટને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા ઇચ્છતો નહોતો, પરંતુ હું આને શેર કરતા રોકી શક્યો નહોતો, કારણ કે લોકોને આ માણસ (સંજય માંજરેકર)ના અલગ રૂપને પણ અવશ્ય જાણવુંજાેઈએ.
યુઝરે લખ્યું હતું કે માંજરેકર પોતાની તથ્ય વગરની વાતો કરીને હેડલાઈનમાં રહેવાની કોશિશ કરતો હોય છે. માંજરેકર રવિચંદ્રન અશ્વિનના ૧૦ ટકા જેટલો પણ નથી. ત્યાર પછી સંજય માંજરેકરે પર્સનલ મેસેજ કરીને આ યુઝરને જવાબ આપ્યો હતો.
આ ચેટને યુઝરે પોસ્ટ કર્યું હતું. સંજય માંજરેકરે યુઝરને એના ટ્વીટનો જવાબ આપતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારી તુલનામાં ૧ પ્રતિશતમો ભાગ પણ નથી. ત્યાર પછી યુઝરે માંજરેકરને ૨૦૧૯ની વાત યાદ અપાવી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ તેની ઝાટકણી કાઢી હતી.
યુઝરના આ મેસેજ પછી માંજરેકર ભડક્યો અને તેણે જાડેજા અંગે ટિપ્પણી કરી હતી કે તું મારી પાસે એવી આશા રાખે છે કે તારી જેમ હું પણ ક્રિકેટરોની પૂજા કરું. હું ફેન નથી, નિષ્ણાત છું અને જાડેજાને અંગ્રેજી ભાષા નથી આવડતી એટલે તે વાતનો યોગ્ય તાત્પર્ય સમજી શક્યો નહોતો. મેં તેને જે કહ્યું હતું (બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર) એનો સાચો અર્થ પણ તે સમજી શક્યો નહોતો. આ દરમિયાન કોઈકે વર્બલ ડાયેરિયાનો અર્થ પણ તેને જણાવ્યો હશે.