જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન
મુંબઈ: બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ સરોજ ખાનને ૧૭-જૂને મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે રાત્રે ૧ઃ૫૨ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
સરોજ ખાન ડાયાબિટીઝ સહિત અન્ય બીમારીઓનો સામનો કરી રહ્યાં હતા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ સરોજ ખાનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાને લાંબા સમય સુધી પોતાના કામ પરથી બ્રેક લીધો હતો. જા કે ગત વર્ષે ૨૦૧૯માં તેમણે વાપસી કરી હતી. જે વર્ષે તેમણે મલ્ટી સ્ટારર “કલંક” અને કંગન રણોતની ફિલ્મ “મણિકર્ણિકા-ધી ક્વિન ઓફ ઝાંસી”માં એક-એક ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું.
જણાવી દઈએ કે, આ દિગ્ગજ કારિયોગ્રાફરે માત્ર ૩ વર્ષની ઉંમરમાં જ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કેરિયર શરૂ કરી હતી. ૧૯૭૪માં પ્રથમ વખત “ગીતા મેરા નામ” થી તેઓન કારિયોગ્રાફર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળી હતી.
૨૨ નવેમ્બર, ૧૯૪૮માં જન્મેલા સરોજ ખાન બોલિવૂડમાં એવું નામ છે, જેને દરેક જણ ઓળખે છે. જૂની પેઢીના કલાકારોથી લઈને હાલના એક્ટરો પણ તેમના કામની પ્રશંસા કરે છે. સરોજ ખાને પોતાની ૪ દાયકાને કેરિયરમાં ૨ હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યાં છે.
સરોજ ખાનનું નામ કોરિયોગ્રાફીની દુનિયામાં સમ્માન સાથે લેવામાં આવે છે. સરોજ ખાને પોતાની કેરિયરમાં અનેક જાણીતા ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. દેવદાસનું ડોલા રે ડોલા, માધૂરી દીક્ષિત પર ફિલ્માવામાં આવેલું તેજાબ ફિલ્મનું એક-દો-તીન અને જબ વી મેટ ફિલ્મનું યે ઈશ્ક હાયે જેવા ગીતો તેમણે જ કોરિયોગ્રાફ કર્યાં છે. ૭૧ વર્ષના સરોજ ખાનની કોરિયોગ્રાફર તરીકેની અંતિમ ફિલ્મ “કલંક” હતી. સરોજ ખાનને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં બોલિવૂડે અનેક દિગ્ગજાને ગુમાવ્યા છે. જેમાં રિશિ કપૂર, ઈરફાન ખાન અને તાજેતરમાં સુશાંત ખાનના માઠા સમાચારને પગલે બોલિવૂડ શોકમાં ગરકાવ છે, ત્યાં હવે સરોજ ખાનના નિધનથી બોલિવૂડને વધુ એક ખોટ પડવા જઈ રહી છે.