જાતિ-ભેદ -‘મનુષ્ય જન્મથી શ્રેષ્ઠ હોય છે કે કર્મથી ?
એકવાર બુદ્ધ ભગવાન ઈચ્છાનંગલ નામના ગામની પાસે આવેલા ઈચ્છાનંગલ નામના ઉપવનમાં રહેતા હતાં. વાસિષ્ઠ અને ભારદ્વાજ નામના બે યુવાન બ્રાહ્મણો વચ્ચે બે બાબતમાં વાદવિવાદ થયો કે, ‘મનુષ્ય જન્મથી શ્રેષ્ઠ હોય છે કે કર્મથી ?
ભારદ્વાજે વાસિષ્ઠને કહ્યુંઃ ‘જેનાં માતા અને પિતા સાત પેઢીઓ સુધી શુદ્ધ હોય અને જેના કુળમાં સાત પેઢીઓ સુધી કોઈ વર્ણસંકર ન પાકયો હોય તે શ્રેષ્ઠ બ્રાહ્મણ છે.’
વાસિષ્ઠે કહ્યુંઃ‘હે ભારદ્વાજ, જે મનુષ્ય શીલસંપન્ન અને કર્તવ્યદક્ષ હોય એને જ બ્રાહ્મણ કહેવો જાઈએ.’
ઘણો વાદ-વિવાદ થયો, છતાં એકબીજાને સમજાવી ન શકયા.
અંતે વાસિષ્ઠે કહ્યુંઃ‘આમ તો આપણી ચર્ચાનો અંત નહીં, આવે, એના કરતાં આ પાસેના ઉપવનમાં ગૌતમ બુદ્ધ પધાર્યા છે, એમની પાસે જઈને આ બાબતમાં આપણે પૂછીએતો કેવું ? બુદ્ધની કીર્તિ બધે ફેલાયેલી છે. આપણા મદભેદની એમને વાત કરીએ અને એ જે નિર્ણય આપે તેનો આપણે સ્વીકાર કરીએ.’બંને બુદ્ધ પાસે પહોંચ્યા, બેઠાં,
વાસિષ્ઠે પૂછયુંઃ ‘હે ગૌતમ, અમે બંને શિક્ષિત બ્રાહ્મણ-કુમારો છીએ. આ વારૂક્ષ્યનો શિષ્ય અને હું પૌષ્કરવાદીનો શિષ્ય છું. જાતિભેદની બાબતમાંઅમારી વચ્ચે વિવાદ જાગ્યો છે. આ કહે છે કે, બ્રાહ્મણ જન્મને લીધે બ્રાહ્મણ કહેવાય છે, જયારે હું એમ માનું છું કે, બ્રાહ્મણ કર્મથી જ કહી શકાય. આપ અમારા વિવાદનો નિર્ણય આપો.’
બુદ્ધે કહ્યુંઃ ‘હે વાસિષ્ઠ, તૃણ, વૃક્ષ વગેરે વનસ્પતિઓમાં અનેક જાતિઓ જાવામાં આવે છે. કીડા-મકોડાઓ જેવાં ક્ષુદ્ર પ્રાણીઓમાં પણ અનેક જાતિઓ છે.સાપ, અને પાણીમાં રહેનાર માછલીઓમાં આ આકાશમાં ઉડનાર પક્ષીઓમાં પણ અનેક જાતિઓ જાવા મળે છે. એની ભિન્નતાનાં ચિહ્નો સ્પષ્ટ દેખાય છે. પરંતુ મનુષ્યોમાં ભિન્નતાનાં ચિહ્નો દેખાતાં નથી. પેટ, પીઠ, હાથ, પગ, કાન, નાક, મો, હોઠ, ગળું વાળ વગેરે અવયવોમાંએક મનુષ્ય, બીજા મનુષ્યથી પુર્ણતતા જુદા હોતા નથી. અર્થાત, મનુષ્યના અવયવો લગભગ સમાન હોવાને કારણે જાતિભેદનો નિશ્ચય કરી શકાતો નથી, પરંતુ મનુષ્યની જાતિ કર્મથી નિશ્ચિત કરી શકાય છે.’
જેમ કે, બ્રાહ્મણ ગાયોનું પાલન કરી નિર્વાહ ચલાવતો હોય તો તેને બ્રાહ્મણ ન કહેતાં ગોવાળીયો કહેવો જાઈએ. જા શિલ્પકલા પર ઉપજીવીકા ચલાવતો હોય તો કારીગર; વ્યાપાર કરતો હોય તો વાણિયો; ચોરી કરીને જીવીકા ચલાવતો હોય તો ચોર; લડાઈમાં જાડાયો હોય તો યોદ્ધો; યજ્ઞ-યાગો કરાવેતો યાજક કહેવો; પરંતુ આમાંના કોઈને પણ માત્ર જન્મના કારણે બ્રાહ્મણ કહી શકાય નહીં.
ત્યારે હું કોઈ બ્રાહ્મણ કહું છું ? તો સાંભળો…
જે સમગ્ર સંસારનાં બંધનોને કાપી નાખે છે, કોઈપણ સાંસારિક દુઃખથી જે ડરતો નથી, જેને કોઈપણ બાબતની આસકિત નથી હોતી એને હું બ્રાહ્મણ કહું છું… બીજાઓ દ્વારા ગાળો, માર કે બંધન જે સહન કરે છે, ક્ષમા જ જેનું બળ છે એને હું બ્રાહ્મણ કહું છું…
કમળપત્ર પરના જળબિંદુની માફક જે ઈહલોકનાં વિષય-સુખોથી જે અલીપ્ત રહે છે. તેને હું બ્રાહ્મણ કહું છું…
ત્યારે બ્રાહ્મણને ત્યાં જે જન્મે તેને બ્રાહ્મણ કહેવાય ? તો જાણો જન્મથી કોઈ બ્રાહ્મણ નથી હોતુંકે કોઈ નથી હોતું અબ્રાહ્મણ. કર્મથી જ બ્રાહ્મણ અનેકર્મથી જ અબ્રાહ્મણ બને છે. ખેડૂત કર્મથી બને છે; કારીગર કર્મથી બને છે; ચોર કર્મથી કહેવાય છે;સિપાઈ કર્મથી થાય છે; યાજક કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથી જ આખું જગત ચાલે છે. જે રીતે ધરી પર આધાર રાખીને રથ ચાલે છે તેમ બધાં પ્રાણીઓ પોતપોતાના કર્મો પર આધાર રાખે છે.
પરાશરમુનિના પુત્ર વેદવ્યાસે મહાભારતના ‘શાંતિપર્વમાં કહ્યું છેઃ ‘જન્મના જાયતે શુદ્ધઃ સંસ્કારત દ્વિજ ઉચ્ચતે’ જન્મથી તો બધા શુદ્ર છે, સંસ્કારને લીધે તે બ્રાહ્મણ કહેવાય છે. ‘જનોઈ અને તિલક જેવાં બાહ્ય ચિહ્નો બ્રાહ્મણની સાચી ઓળખ નથી. જે, આચાર-વિચાર વાણી-વર્તનમાં પવીત્ર હોય, બ્રહ્મજીજ્ઞાસુ હોય તે જ ને તે જ માત્ર પુજનીય બ્રાહ્મણ છે અન્ય નહી નહી ને જ ! બ્રાહ્મણ બનવાનો બધાને અધિકાર છે… હે મનુષ્યો ! બ્રાહ્મણ બનો.